Gujarat

અમદાવાદના 10 સહિત રાજ્યના 70 DySPની સાગમટે બદલી

By GS Team
25 Jan 20223 mins read
This article was originally published on 25 Jan 2022
અમદાવાદના 10 સહિત રાજ્યના 70 DySPની સાગમટે બદલી

ત્રણ વર્ષ કે વધુ સમય થયો હોય તેવા અધિકારી બદલાયા


સ્ટેટ મોનિટરિંગ સેલ, સીઆઈડી અને ચાર મહાનગરોના સુપરવાઈઝરી ઓફિસર્સ પછી IPSની ટ્રાન્સફરની તૈયારી

અમદાવાદ : અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા દસ ડીવાયએસપી સહિત ગુજરાતમાં કુલ 70 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અથવા વધુ સમય થઈ ગયો હોય તેવા મોટાભાગના સુપરવાઈઝરી ઓફિસર્સની બદલી કરવામાં આવી છે.

ગૃહ વિભાગના અધિક સચિવની સહિથી યાદી જાહેર કરી સ્ટેટ મોનિટરીંગ સેલ, સીઆઈડી અને ચાર મહાનગરોમાં પોલીસ દળ અને ઉપરી અધિકારીઓ વચ્ચે કડીરૂપ અધિકારીઓની બદલી બાદ આઈપીએસની બદલીઓ આવશે તેવી સંભાવના વધુ પ્રબળ બની છે.

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યો ગૃહ વિભાગે આજે કુલ 70 ડીવાયએસપીની બદલીઓનો હૂકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ, બ્રાન્ચમાં કુલ 25 એસીપી કાર્યરત છે તે પૈકીના 7ની બદલી કરવામાં આવી છે. જ્યારે, અમદાવાદ ગ્રામ્ય અને બ્રાન્ચમાંથી બેની બદલી કરાઈ છે. 

રાજકોટથી એસ.ડી. પટેલને એમ ડીવિઝન એસીપી તરીકે, સુરતથી એસ.એમ. પટેલ (મેડાત)ને એન ડીવિઝન, નડિયાદથી જી. એસ. સ્યાનને એ ડીવિઝન, કચ્છ પશ્ચિમથી વી.એન. યાદવને એચ ડીવિઝન,  એટીએસમાંથી બી.એચ. ચાવડાને જી ડિવિઝન, રેલવેઝમાંથી પી.પી. પિરોજીયાને એફ ડીવિઝન અને પોરબંદરથી સ્મિત એમ. ગોહિલને સી ડીવિઝન એસીપી તરીકે મુકવામાં આવ્યાં છે. 

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયાને સ્ટેટ મોનિટરીંગ સેલમાં અને રીના રાઠવાને પોરબંદર મુકવામાં આવ્યાં છે. આમ, અમદાવાદ શહેરમાંથી 10 અને ગ્રામ્યમાંથી 12 ડીવાયએસપીની બદલી કરાઈ છે.

અમદાવાદ શહેર, જિલ્લામાં કાર્યરત અને અમદાવાદમાં જ મુકાયા હોય તેવા અધિકારીઓ પણ છે. એસસીએસટી સેલના ડીવાયએસપી એ.વી. પટેલને એસીબીમાં, એસીબીના એન.ડી. ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય હેડ કવાર્ટરમાં, અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના બી.એસ. વ્યાસને સાણંદ, અમદાવાદ શહેર એન ડીવિઝન એસીપી દિવ્યા રવિયાને એસીબીમાં, જી ડીવિઝન એસીપી એ.એમ. દેસાઈને પશ્ચિમ રેલવેઝમાં, એટીએસમાં કાર્યરત બી.એચ. ચાવડાને અમદાવાદ શહેર જી ડીવિઝન એસીપી તરીકે મુકાયા છે.

વડોદરા શહેરમાં અમદાવાદથી વી.જી. પટેલ, સુરતથી ડી.જે. ચાવડા, રાજકોટ સાયબર ક્રાઈમમાંથી જી.ડી. પલસાણા, ડાંગથી જે. આઈ. વસાવા, ભરૂચથી એમ.પી. ભોજાણી અને સુરત શહેરમાં મહેસાણાથી આર.આર. આહીર, પાટણથી જે.ટી. સોનારા, અભિજીત એમ. પરમાર, બોટાદથી ઝેડ આર દેસાઈ, ગાંધીનગરથી બી.કે. વનાર, તાપીથી આર.એલ. માવાણી, પશ્ચિમ રેલવેથી દીપ વકીલ તેમજ રાજકોટમાં અરવલ્લીથી વિશાલ રબારી, અમદાવાદથી જે. કે. ઝાલાની બદલી કરવામાં આવી છે.

સાત મહિલા ડીવાયએસપી સહિત નવની બદલી પણ પોસ્ટિંગ નહીં

સાત મહિલા સહિત નવ ડીવાયએસપીની નિમણૂંકના હૂકમો બાકી રાખવામાં આવ્યા છે. સાત મહિલા ડીવાયએસપી સ્ટેટ મોનિટરિંગ સેલના જ્યોતિ પી. પટેલ, સીઆઈડીના મંજીતા વણઝારા, દાહોદના ડો. કાનન એમ. દેસાઈ, પોરબંદરના જુલી કોઠિયા, વડોદરાના અમિતા વાનાણી, મહેસાણાથી ભક્તિ ઠાકર, ખેડાથી અર્પિતા પટેલ ઉપરાંત વડોદરાથી ભરત રાઠોડ, બોટાદથી રાજદિપસિંહ એન. નકુમની બદલી કરવામાં આવી છે પણ ક્યાં પોસ્ટિંગ અપાશે તે હજુ નિશ્ચિત કરાયું છે. ચર્ચા છે કે, ચૂંટણી આવી રહી છે ત્યારે બદલીમાં કડક કામગીરી ઉપરાંત રાજકીય ભલામણો અને ગતિવિધિઓને ધ્યાનમાં રખાઈ છે. આવનારાં દિવસોમાં પીઆઈથી ડીવાયએસપી પ્રમોશન, આઈપીએસની બદલી ઉપરાંત જિલ્લા, શહેરોમાં કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની બદલીઓ આવી શકે છે.