Get The App

વડોદરામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ૪૪.૪ ડિગ્રી

Updated: Apr 28th, 2019

GS TEAM

Google News
Google News
વડોદરામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ૪૪.૪ ડિગ્રી 1 - image

વડોદરા,તા.28.એપ્રિલ,2019,રવિવાર

વડોદરા શહેરમાં જાહેર થયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે સતત બીજા દિવસે પણ ગરમીનો પારો ૪૪.૪ ડિગ્રી પર પહોંચ્યો હતો.શનિવારની જેમ રવિવાર પણ મોસમનો હોટેસ્ટ ડે બન્યો હતો.

આગ ઝરતી ગરમી વચ્ચે હવામાં ભેજનુ પ્રમાણ પણ ઘટી જતા લોકો માટે મુશ્કેલીઓ વધી હતી.રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે લોકોએ રવિવારની રજાના દિવસે ઘરમાં પૂરાઈ રહેવાનુ પસંદ કર્યુ હતુ.રવિવારની લોકોની રજા પંખા, કૂલર અને એસીના સહારે પસાર થઈ હતી.રસ્તાઓ પર અને બજારોમાં પણ સન્નાટો જોવા મળ્યો હતો.ગરમીની અસર એ હદે હતી કે, સાંજે સૂર્યાસ્ત પછી પણ શહેરના રસ્તાઓ દઝાડી રહ્યા હતા.

વડોદરામાં ગત ૧૩ અને ૧૪ એપ્રિલના રોજ ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.એ પછી ગરમીનો પારો ૨૫ એપ્રિલથી ઉપર જવાનો શરુ થયો છે અને સતત ઉપર જ જઈ રહ્યો છે.જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.એપ્રિલ મહિનામાં જ ગરમીએ બતાવેલા પ્રકોપ બાદ લોકો મે મહિનામાં શું થશે તેની કલ્પના કરતા પણ ગભરાઈ રહ્યા છે.

આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે આજે મહત્તમ તાપમાન ૪૪.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી નોંધાયુ હતુ.હવામાં ભેજનુ પ્રમાણ સવારે ઘટીને માત્ર ૨૭ ટકા અને સાંજે તો માત્ર ૧૧ ટકા જ રહ્યુ હતુ.જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાક ૧૫ કિમી નોંધાઈ હતી.