પાલિતાણા શેત્રુંજ્ય પર્વત પર બનેલ બનાવના પગલે જૈન સમાજની રેલી
- આજે પાલિતાણામાં રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર અપાશે
- શેત્રુંજી પર્વત પર આવેલ મંદિર પાસે બે દિવસ પૂર્વે બોર્ડ અને સીસીટીવી માટેના થાંભલા તોડી નાંખવાની ઘટના બાદ વિવાદ વકર્યો
પાલિતાણા શેત્રુંજ્ય પર્વત પર બે દિવસ પૂર્વે બનેલ ઘટનાના વિરોધમાં આવતીકાલે રવિવારે બપોરના ૩ કલાકે સમસ્ત જૈન શ્વતામ્બર મૂર્તિપૂજક તપાગજ મહાસંઘ દ્વારા તળેટી ખાતે સભાનુ આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે તેમ જૈન અગ્રણીઓએ જણાવેલ છે. આ રેલીમાં આશરે પ હજાર જૈન સમાજના લોકો હાજર રહેશે તેવો દાવો કરવામાં આવેલ છે. આ વિવાદનો અંત આવે તેવી મહાસંઘની માંગણી છે. ઉલ્લેખનીય છે કે, પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને લઈ અગાઉ અનશન આંદોલન થયા બાદ શરતોને આધિન સમાધાન કરવામાં આવ્યો હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ફરી આ ધાર્મિક સ્થળ પાસે વિવાદ થયો છે.
નિલકંઠ મહાદેવ નજીક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુરજકુંડ વિસામા ખાતે બોર્ડ અને આ વિસ્તારની જગ્યામાં કોઈ ભાંગફડ કે ધર્મ વિરૂધ્ધનું કૃત્ય ન થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવા સ્ટેન્ડ માટેના થાંભલા ઉભા કરાયા હતા. જેનો નિલકંઠ મહાદેવ સેવા સમિતિએ વિરોધ નોંધાવી પેઢી દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવી તંત્રને રજુઆત કરી હતી. બોર્ડ અને સીસીટીવી માટેના થાંભલા તોડી નાખવામાં આવ્યા હોવાની પોલીસમાં લેખીત ફરિયાદ પેઢીએ કરી હતી તેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિવાદનો હજુ અંત આવ્યો નથી ત્યારે પાલિતાણામાં શાંતી જળવાય રહે તે માટે સરકારી તંત્રએ યોગ્ય રસ્તો કાઢવો જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.