ઊર્જાનો આડેધડ વપરાશ નોંતરશે વિનાશ જેવા સુત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓની રેલી
'ઊર્જા ઉત્સવમાં' ઊર્જાના સ્ત્રોત વિશે જાગૃતિ લાવવાનો એક પ્રયત્ન
પૃથ્વીને બચાવવા માટે ઊર્જાને બચાવવી એવો દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ
વડોદરા, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા, ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ તેમજ લોક વિજ્ઞાાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર ખાતે જ 'ઊર્જા ઉત્સવ'નું આયોજન કરાયું હતું. જેમાં ૩૦ શાળાના ૧૮૦ વિદ્યાર્થીઓ અને ૨૦ શિક્ષકોએ 'ઊર્જાનો આડેધડ વપરાશ નોતરશે વિનાશ', 'સોલાર રુફટોપ લગાવો, વીજબીલ ઘટાડો' જેવા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.
ઊર્જા વિશે લોકોમાં સભાનતા જગાવવા તેમજ તેના સ્ત્રોત ભવિષ્યની પેઢી માટે બચે તે હેતુથી આ ઊર્જા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઊર્જા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર ડો.બી.જી.દેસાઈને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પુનઃપ્રાપ્ય ઊર્જા આવતીકાલનું ભાવિ વિષય પર ચિત્ર સ્પર્ધા, ઊર્જા ખૂટી જશે તો શું થશે? વિષય પર નિબંધ સ્પર્ધા, ઉત્તમ પર્યાવરણ માટે ઊર્જા બચત વિષય પર વકતૃત્વ સ્પર્ધા, ઉપરાંતઊર્જા રમત અને ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ઉદ્યોગોમાં કોલસો, પેટ્રોલિયમ અને વીજળીનો ઉપયોગ ૪૦ ટકા જ્યારે પરિવહનમાં ૩૦, કૃષિમાં ૨૦ અને ઘરોમાં ૧૦ ટકા થાય છે. જો આપણે ભવિષ્યની પેઢી માટે ઊર્જા બચાવવી હશે તો લોકોએ વધુમાં વધુ સોલાર પેનલ, સોલાર વોટર હીટર, ગોબરગેસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પૃથ્વીને બચાવવા માટે ઊર્જાને બચાવવી એવો સંકલ્પ કરવો જોઈએ.