નડિયાદ સહિત ખેડા જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડયાં
- બંગાળની ખાડીમાં અપરએપ એર સાયકલોનિકના પગલે
- આણંદ જિલ્લાના ખંભાત તારાપુર અને સોજિત્રામાં એક-એક ઇંચ વરસાદ
- મહુધામાં ૩૪ મિ.મી., ખેડા, ગળતેશ્વર અને ઠાસરામાં બબ્બે ઇંચ વરસાદ નોંધાયો
ખેડા જિલ્લામાં વડા મથક નડિયાદ શહેર ઉપરાંત અનેક તાલુકા મથકોમાં વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદી માહોલ સર્જાતા જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે જ્યારે વરસાદ વરસતા ખેડુતોમાં આનંદ છવાયો છે.
ખેડા જિલ્લામાં ગત મોડી સાંજે અને આજે સવારે વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ફરીથી વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી રાહત મળી હતી. સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને નડિયાદ સહિત તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગત મોડી રાત્રે જીલ્લાના દશેય તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહુધામાં ૩૪ મીમી, જ્યારે ખેડા, ગળતેશ્વર અને ઠાસરામાં ૨ મીમી વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો, પરંતુ સાંજ સુધીમાં સામાન્ય વરસાદી ઝાપટાને બાદ કરતાં જીલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો નહતો.
બંગાળની ખાડીમાં અપરએપ એર સાયકલોનિકના પગલે
આણંદ જિલ્લાના ખંભાત તારાપુર અને સોજિત્રામાં એક-એક ઇંચ વરસાદ
વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો
ગત સપ્તાહ દરમ્યાન સમગ્ર આણંદ જિલ્લામાં વાદળોની આવન-જાવન વચ્ચે મેઘરાજાએ વિરામ ફરમાવતા મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિ.સે.ને પાર કરી ગયો હતો. ગત રવિવારના રોજ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા બાદ મહ્દ અંશે મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. જેને લઈ ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે બુધવારના રોજ સાંજ સુધી વાદળોની આવન-જાવન વચ્ચે મેઘરાજાએ વિરામ ફરમાવ્યા બાદ મોડી સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળાડીંબાગ વાદળો છવાઈ ગયા હતા અને પવન ફુંકાવાનો શરૂ થઈ ગયો હતો.
થોડા જ સમયમાં વીજળીના ચમકારા અને વાદળોની ગર્જના વચ્ચે સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. તેજ પવનો ફુંકાવાની સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ જોરદાર પવનો ફુંકાવાના કારણે જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાના અને વીજળી ડુલ થવાના બનાવો બન્યા હતા. મોડી રાત્રે પણ જિલ્લામાં વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. જો કે આજે સવારથી મેઘરાજાએ પુનઃ વિરામ ફરમાવતા દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલ રાત્રિના ૮ઃ૦૦ થી ૧૦ કલાકના સમયગાળા દરમ્યાન જિલ્લાના ખંભાત, તારાપુર અને સોજિત્રા તાલુકામાં લગભગ ૧ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જો કે બાદમાં વરસાદનું જોર નરમ પડતા ધીમે-ધીમે વરસાદી પાણી ઓસરી ગયા હતા.
આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે ૬ઃ૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૧૩૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જિલ્લાના ખંભાત અને સોજિત્રા તાલુકામાં ૨૯ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તારાપુર તાલુકામાં ૨૫ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૧૬ મી.મી., આંકલાવ તાલુકામાં ૧૨ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૧ મી.મી., આણંદ તાલુકામાં ૭ મી.મી. અને બોરસદ તાલુકામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.