ખેડા-આણંદ જિલ્લામાં મેઘરાજાનું આગમન
- ખંભાતના દરિયા કિનારાના વિસ્તારોમાં 'વાયુ' વાવાઝોડુ ત્રાટકે તે પહેલા
સંભવિત વાવાઝોડાને લઈ ખંભાત, તારાપુર પંથકમાં લોકોને સાવચેત કરાયા : તાલુકાવાર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા
- ધુવારણમાં દરિયા ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ : આણંદ વિવિધ વિસ્તારોમાં ભયજનક હોર્ડિંગ્સ, બેનરો હટાવાયાં
આણંદ,તા.12 જૂન 2019, બુધવાર
વાયુ વાવાઝોડાને લઈને ખંભાતના દરિયાકિનારાની આસપાસ તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની સાથે ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ સંજોગોમાં ખંભાત તથા ધુવારણ વિસ્તારનો દરિયાકિનારો તંત્ર દ્વારા આજરોજ ખાલી કરાવાયો છે અને જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ઉપરાંત દરિયાકિનારા પાસેના પીકનીક અને સહેલાણી પોઈન્ટ પણ ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે.
તંત્રના અધિકારીઓ અને પોલીસ જવાનોને દરિયાકિનારે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ વ્યક્તિને દરિયાકિનારે ન જવા સલાહ અપાઈ છે. ઉપરાંત ઢળતી સંધ્યાએ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ખંભાતના દરિયા કિનારે વાદળો ઘેરાયા હતા અને હળવા વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું હતું. મોડી સાંજ સુધીમાં આણંદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
ખેડા જિલ્લાના વડા મથક એવા નડિયાદ સહિત જિલ્લાના તાલુકા મથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.બપોર બાદ અચાનક આવેલ વાતાવરણમાં પલટથી જિલ્લા વાસીઓને ગરમીમાંથી આંશીક રાહત થઇ હતી.અને આકાશમાં કાળા વાદળો જોવા મળયા હતા.સાંજ પડતા નડિયાદ અને કઠલાલ જેવા અમુક તાલુકા મથકોમાં છુટો છવાયો વરસાદના અમી છાંટણા પડયા હતા.જો કે કઠલાલમાં અડધો કલાક સુધી મેધરાજાએ કઠલાલને ધમરોળ્યુ હતુ.
ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોતા નાના બાળકો રસ્તા પર ન્હાતા તસ્વીરમાં નજરે ચડે છે. જ્યારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પણ બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડતાં બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા અને વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત થઈ હતી.
ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે ત્યારે આણંદ જિલ્લાના ભાલ પંથકના ગામોમાં ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઈને ખંભાતના દરિયાકિનારાના ગામોમાં તંત્ર દ્વારા ખાસ સુરક્ષારૂપી પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે માટે તંત્ર દ્વારા તાલુકાવાર કંટ્રોલરૂપ પણ શરૂ કરવામાં આવ્યા છે. ખંભાતના દરિયાકાંઠાના ગામોમાં લાઉડ સ્પીકર દ્વારા ગ્રામજનોને વાવાઝોડા અંગે ખાસ સમજ આપવામાં આવી રહી છે.
ઉપરાંત માછીમારોને પણ આગામી ત્રણ દિવસ દરમ્યાન દરિયો ન ખેડવા સુચનાઓ અપાઈ છે. સાથે સાથે ખંભાત તથા તારાપુર તાલુકાના વિવિધ ગામોમાં અધિકારીઓની ટીમો ઉતારી દેવાઈ છે. જે ગ્રામજનોને વાવાઝોડા અંગે સાવચેતી રાખવા સુચનાઓ આપી રહી છે.
અરબી સુમદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થતા ગુરૂવારના રોજ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલ દરિયાકિનારાના પ્રદેશોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે ૧૦૦ થી ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સંભાવનાને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના દરિયાકાંઠાના લગભગ ૧૫ જેટલા ગામોમાં વાયુ વાવાઝોડાની અસરને લઈને ખાસ તકેદારી રાખવા સુચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા તાલુકાવાર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત ધુવારણના દરિયામાં માછીમારી ન કરવા માટે માછીમારોને સુચના અપાઈ છે.
જેથી ધુવારણના દરિયાકિનારે નાના વાહનો તથા હોળકા બંદરે લાંગરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ખંભાત તથા તારાપુર તાલુકાના વિવિધ ગામડાઓના લોકોને વાયુ વાવાઝોડા સામે સાવચેતી રાખવા અધિકારીઓ દ્વારા બેઠકો યોજી સમજણ આપવામાં આવી રહી છે.
તારાપુર તાલુકાના રીંઝા ગામે અધિકારીઓ દ્વારા બેઠક યોજી ગ્રામજનોને વાવાઝોડા અંગે ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. તેજ ગતિથી પવનો ફુંકાવાના કારણે જાનમાલને નુકસાન થવાની સંભાવનાને લઈને આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મોટાબેનરો ઉતારવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. હાલ તંત્રના અધિકારીઓને વાયુ વાવાઝોડા સામે રક્ષણ આપવા સ્ટેન્ડ બાય પોઝીશનમાં મુકવામાં આવ્યા છે.
ખંભાત તાલુકામાં ગામદીઠ લાયઝન અધિકારીની નિમણૂંક
ખંભાત તાલુકાના દરિયાકિનારાના તરકપુર, પાંદડ, મીતલી, વૈણજ, નવાગામબારા, જુના આખોલ, લુણેજ, રાલેજ, રાજપુર, વડગામ, તળાતળાવ, કલમસર, બાજીપુરા અને ધુવારણ ગામો માટે ગામદીઠ રાહત બચાવ કામગીરી માટે લાયઝન અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. તમામ લાયઝન અધિકારીઓ બુધવારના રોજથી આ ગામોમાં પોતાની ફરજ બજાવશે. ઉપરાંત દરિયા કિનારાના આ ગામોમાં ઝુપડા અને કાચા મકાનોનો સર્વે પણ હાથ ધરાયો છે અને આવી જગ્યાઓએ રહેતા ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વાસણા ગામના રહીશોને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ
આણંદ જિલ્લાના ખંભાત અને ધુવારણના દરિયાકિનારાના વિસ્તારોમાં આવનારા સંભવિત વાયુ વાવાઝોડાના સંદર્ભે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી વ્યવસ્થા માટે લીધેલા પગલાં અંગે બેઠક યોજી સમીક્ષા કરાઈ હતી.
આજે જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા ખંભાતના દરિયાકિનારાની મુલાકાત લઈ સમીક્ષા કરાઈ હતી. જેમાં પ્રવાસી સ્થળ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત દરિયાકિનારાના વાસણા ગામની મુલાકાત લઈ આ ગામના રહીશોને સમયસર સલામત સ્થળે સ્થળાંતર કરવા તાકીદ કરાઈ હતી.
સાથે સાથે પ્રસિધ્ધ યાત્રાધામ રાલેજ અને દરિયાકિનારે આવેલ સિકોતેર માતાના મંદિરે પણ ખાસ ટીમોને તૈનાત કરવામાં આવી છે તથા સંકુલના દરિયાકિનારા તરફના તમામ દરવાજા બંધ કરાવાયા છે. અગમચેતીના ભાગરૂપે દરિયાકિનારાના અસરગ્રસ્ત ગામોમાં તરવૈયા ટીમો, લાઈફ જેકેટ, બત્તી, દોરડા અને બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.