રાજ્યના કેટલાક ભાગમાં વરસાદથી રાહત
- વરસાદથી પાકને જીવતદાન મળશે
અમદાવાદ, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં મોડી રાતથી તો કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની રી એન્ટ્રી જોવા મળી છે. રાજ્યના પંચમહાલમાં આજરોજ વહેલી સવારથી વરસાદનું આગમન જોવા મળ્યું છે. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આમ લાંબા સમય બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યના વડોદરા શહેરમાં પણ આજરોજ વહેલી સવારથી વરસાદનું આગમન જોવા મળ્યું છે. આમ લાંબા સમય બાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ થયો. આમ વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરના અલ્કાપુરી, સયાજીગંજ, રાવપુરામાં વરસાદ જોવા મળ્યો છે.
તાપી જિલ્લામાં વરસાદમાં પણ મેઘમહેર જોવા મળી છે. લાંબા વિરામ બાદ વ્યારા અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાપી જિલ્લામાં ફરી ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. તાપી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છૂટછવાયો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જિલ્લાના ઘોઘા ગામે પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ભરૂચમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના 6 તાલુકામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા રસ્તા પાણી-પાણી થઇ ગયા હતા. ભરૂચ,અંકલેશ્વર,વાગરા, હાંસોટ, વાગરા, ઝઘડિયામાં છૂટો છવાયો વરસાદ પડતાં ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે.