સબ ઓડિટર-પેટા હિસાબનીશની પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ ફૂટ્યું હતું

322 જગ્યાઓ માટે પોણા બે લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતીં
કોંગ્રેસનો આરોપ, રાણપુર તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખની સંડોવણી, બે મહિનાથી વિનોદ સોલંકી ફરાર
9મી ઓક્ટોબરે ધોળકામાં સુરભી સોસાયટી,નડિયાદમાં એક ઉચ્ચ અધિકારીના બંગલામાં પરીક્ષાર્થીને એકઠા કરાયા હતાં
અમદાવાદ : હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં સપડાયુ છે. ઓક્ટોબર મહિનામાં લેવાયેલી સબ ઓડિટર અને પેટા હિસાબનીશની પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ ફુટયુ હતું. એટલું જ નહીં, આ પેપરલીક કૌભાંડમાં ભાજપના નેતાની સંડોવણી છે .
ધોળકા પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ પણ નોંધાઇ છે તેવો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. ગુજરાતમાં એક પછી એક પરીક્ષાના પ્રશ્નપત્ર ફુટી રહ્યા છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષા શંકાના ઘેરામાં છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સબ ઓડિટરની પરીક્ષામાં ય પ્રશ્નપત્ર ફુટયુ છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
સબ ઓડિટર અને પેટા હિસાબનીશની 320 જગ્યાઓ માટે આખાય ગુજરાતમાંથી પોણા બે લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુથ કોંગ્રેસના પ્રવક્તા પાિર્થવરાજ કઠવાડિયાએ જણાવ્યું કે, તા.9મી ઓક્ટોબરે ધોેળકામાં સુરભી સોસાયટીમાં પેપર સોલ્વ કરાયુ હતું. આ ઉપરાંત નડિયાદમાં એક સનદી અિધકારીના બંગલામાં પરિક્ષાર્થીઓ એકઠા કરાયા હતાં.
હેડકલાર્કની પરીક્ષાની મોડસ ઓપરેન્ડીની જેમ જ સબ ઓડિટરનું ય પ્રશ્નપત્ર લીક કરાયુ છે તેવી આશંકા છે.ધોળકામાં સુરભી સોસાયટીમાં પેપર સોલ્વ કરવા માટે 20 જેટલા પરીક્ષાર્થીઓને એકઠા કરાયા હતાં.
પણ તે વખતે સોસાયટીના રહીશોએ શંકા વ્યક્ત કરી હતીકે, આટલા બધા યુવાઓ કેમ આવ્યા છે જેથી પોલીસને જાણ કરાઇ હતીકે, અજાણ્યા લોકો સોસાયટીમાં ઘુસી આવ્યા છે જેથી પોલીસ આવતાં દોડધામ મચી હતી. આખરે પેપરના નાણાંની લેવડદેવડને લઇને ધોળકા પોલીસ સ્ટેશને તા.12 ઓક્ટોબર,2021ના રોજ છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે કરેલી ચાર્જશીટમાં ભાજપના નેતા- રાણપુર તાલુકા પંચાયતના વિનોદ સોલંકીનું નામ આરોપી તરીકે દર્શાવાયુ છે. જે છેલ્લા બે મહિનાથી ફરાર છે. કોંગ્રેસનો આરોપ છેકે, આ ઘટનામાં ભલે છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હોય પણ હકીકતમાં સબ એડિટરની પરીક્ષાનું પેપરલીક થયુ છે.
સમગ્ર ઘટનામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ વિનોદ રમેશભાઇ સોલંકીની સંડોવણી છે. વિનોદ સોલંકીની ભાજપના નેતાઓ સાથે રાજકીય સંબધો છે. વિનોદ સોલંકીનો ચાર્જશીટમાં ય આરોપી તરીકે નામ છે.
વિનોદ સોલંકી છેલ્લા બે મહિનાથી ફરાર છે. કોંગ્રેસ માંગ કરી છેકે, સબ ઓડિટરની પરીક્ષામાં પ્રશ્નપત્ર છાપવાનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો, હેડ કલાર્કની પરીક્ષાના આરોપીઓના આ પરીક્ષા સાથે કોઇ તાર જોડાયેલાં છેકે કેમ, આ પેપર લીક કૌભાંડમાં ય અન્ય મોટા માથાની સંડોવણી છેકે કેમ, આ બધાય પાસાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.
આમરણ ઉપવાસ પર બેઠેલા આપના નેતાની તબીયત લથડી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાનુ પ્રશ્રપત્ર લીક થવાના પ્રકરણની નિષ્પક્ષ તપાસની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા આપના નેતા મહેશ સવાણીની તબીયત આજે લથડી હતી જેથી તેમને તાકીદે સારવાર આૃર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. બ્લડસુગર ઘટી જતાં સવાણીની તબીયત લથડી હતી. ઉલ્લેખનીય છેકે, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ સમર્થકો સાથે અમદાવાદમાં આપના કાર્યાલય પર છેલ્લા 6 દિવસથી ઉપવાસ પર બેઠા છે.

