વડોદરા, તા.2 ફેબ્રુઆરી, રવિવાર
સુભાનપુરા વિસ્તારમાં બાઇકને ટક્કર મારી સગર્ભા અને તેના પતિને ઇજા પહોંચાડનાર બેફામ ચલાવતા રિક્ષાચાલકને કોર્ટે એક માસની સાદી કેદનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે વિમલ જગદીશભાઇ કનોજીયા તેમના પત્ની નેહાને ગાયનેકોલોજીસ્ટને બતાવી ઘેર પરત જતા હતાં. સુભાનપુરા આસ્થા એવન્યુ સામે ટ્રાફિક હોવાના કારણે બાઇક ઉભી રાખી હતી ત્યારે પૂરપાટઝડપે આવેલી એક રિક્ષાએ બાઇકને ટક્કર મારતા વિમલભાઇ અને સગર્ભા પત્ની રોડ પર ફંગોળાતા બંનેને ઇજા થઇ હતી.
આ બનાવની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર-૨૦૧૫માં દાખલ થઇ હતી. આ કેસની તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ચિરાગ ભટ્ટની કોર્ટમાં કેસ ચાલતા સરકારી ધારાશાસ્ત્રી એમ.કે. મેવાડાની દલીલોને ધ્યાનમાં રાખીને સગર્ભા પત્ની અને પતિને ઇજા પહોંચાડવા બદલ મોટર વ્હીકલ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ રિક્ષા ચાલક બળદેવ વિનોદભાઇ માળી (રહે.ગોકુલધામ એપાર્ટમેન્ટ, સમતા)ને એક માસની સાદી કેદનો હુકમ કર્યો હતો. કોર્ટે રિક્ષાચાલકને રૃા.૧૦૦ દંડ પણ ફટકાર્યો હતો જો દંડની રકમ ના ભરે તો ત્રણ દિવસની વધારાની કેદ ભોગવવા હુકમ કરેલ છે.


