પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ સાથે બઢતીના નિયમો જાહેર
પ્રા.શિક્ષક સંઘ અને કોર્પો.શિક્ષક મંડળની રજૂઆતો બાદ
બઢતી માટેની વિસંગતતા દૂર કરાઈ : મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ કેડર સાથે 4,200 ગ્રેડ-પે મળશે
અમદાવાદ : પ્રાથમિક સ્કૂલોના મુખ્ય શિક્ષક (એચટાટ)ને શૈક્ષણિક સંવર્ગમાં ગણવા બાબતે સરકારે ઠરાવ કર્યા બાદ હવે ઉચ્ચતર પગાર ધોરણ સાથે બઢતી નિયમો પણ સરકારે જાહેર કર્યા છે. જે મુજબ હવે મુખ્ય શિક્ષક સહિત તમામ પ્રાથમિક શિક્ષકોને 9 વર્ષ પછીનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 અપાશે.
પ્રાથમિક શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષક તથા મુખ્ય શિક્ષક એમ બઢતી માટે બે જગ્યાઓ તી હોઈ તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે વિસંગતતા ઉભી થઈ હતી.
જેના પગલે 2014માં શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવી સ્વૈસ્છિક હોઈ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તેમ ઠરાવ્યુ હતું. ત્યારબાદ મુખ્ય શિક્ષકના ભરતી નિયમો 2016 માં જાહેર કરવામા આવ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નીરિક્ષકના ભરતી નિયમો 2019માં જાહેર કરવામા આવ્યા.
આ નિયમની જોગવાઈ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની ફડર કેડર તરીકે પ્રાથમિક શિક્ષકોના બદલે મુખ્ય શિક્ષક સંવર્ગનો સમાવેશ કરવામા આવેલ પરતુ સીધી બઢતીની કોઈ જગ્યા રહેતી ન હોવાથી મુખ્ય શિક્ષકની બઢતી પ્રાથમિક શિક્ષકો માટે સ્વૈચ્છિક હોઈ તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે વિસંગતતા ઉભી થઈ હતી.આ વિસંગતતાઓ દૂર કરવા શિક્ષણ વિભાગે તાજેતરમાં ઠરાવ કરીને મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ વર્ગ-3માં ગણવા મંજૂરી આપી છે.
હવે આ વિવિધ જાહેરનામા અને ઠરાવો સાથે એક સમાનતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા બઢતીના નિયમો પણ જાહેર કરી દેવાયા છે અને સાથે 2010માં ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષની નોકરી બાદ હવે પ્રથમ ઉચ્ચતર પગારધોરણ 4200 ગ્રેડ પે પણ આપવા વિધિવત ઠરાવ થઈ ગયો છે. પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ.પગાર ધોરણ મુખ્ય શિક્ષકનું પગાર ધોરણ મળશે. જે મુખ્ય શિક્ષક બઢતી મેળવવા માંગે તેઓએ સંબધિત પરીક્ષા પાસ કરવાની રહેશે.
મુખ્ય શિક્ષકને નાણા વિભાગે નક્કી કરેલ અનુસૂચિ મુજબનું દ્રિતિય 4400 અને તૃતિય 4600 ઉચ્ચતર પગાર ધોરણ નોકરીના વિવિધ વર્ષના તબક્કે મળશે.છેલ્લા ઘણા સમયથી પ્રાથમિકશિક્ષક સંગ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા લડત ચલાવી સરકારને આ મુદ્દે રજૂઆતો પણ કરવામા આવી હતી ત્યારે અંતે હવે આટલા વર્ષે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભો મળશે.