શહેરા, ગોધરા, બોરસદ, વાંકાનેર, મોરબી, મોડાસામાં રેલીઓ યોજાઇ, ગીર સોમનાથમાં ૧૪૪મી કલમ લાગુ
અમદાવાદ, તા. 19 ડિસેમ્બર, 2019, ગુરૂવાર
એનઆરસી-સીએએ કાયદાના વિરોધની આગ હવે ગુજરાત સુધી પહોંચી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાંય શહેરોમાં વિરોધનો સૂર ઉઠયો હતો. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં સ્વયંભૂ બંધ પળાયો હતો. ઠેર ઠેર રેલીઓ યોજી વિરોધ પ્રદર્શન કરાયા હતાં.મામલતદાર કચેરીમાં આવેદન પત્ર અપાયા હતાં.
ગુજરાતમાં એનઆરસી-સીએએ કાયદાનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં ય રેલી યોજીને લઘુમતીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલી હદેકે, ટોળાએ પોલીસ વાનને નિશાન બનાવી હતી.
પોલીસ વાન પર એક તબક્કે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત છાપીમાં ય રેલી વખતે ટ્રાફિક ચક્કા જામ કરાયો હતો. પોલીસે કેટલાંય પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના ઘણાં શહેરોમાં લઘુમતી વિસ્તારોમાં સ્વયંભૂ બંધ રહ્યો હતો.
ગીર સોમનાથ તો વહીવટી તંત્રએ ૧૪૪ કલમ લાગુ કરી દીધી હતી. આ ઉપરાંત ગોધરા,શહેરામાં બંધ પાળવામાં આવ્યો હતો. લઘુમતી વિસ્તારોમાં સવારથી બજારો સજ્જડ બંધ રહ્યા હતાં. લોકોએ વેપારધંધો બંધ રાખીને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
વાંકાનેરમાં તો વિશાળ સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતાં. મામલતદાર કચેરીએ આવેદન પત્ર સુપર કરાયું હતું. વાંકાનેરના આસપાસના ગામડાઓના લોકો પણ રેલીમાં જોડાઇને કાયદા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બોરસદ પણ સંપૂર્ણપણે બંધ રહ્યુ હતું.
મોરબીમાં ય લઘુમતીઓએ એનઆરસી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. જયારે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં રેલી યોજાઇ હતી. વડોદરા શહેરમાં ય લઘુમતી વિસ્તારોમાં બંધ પળાયો હતો. આખોય દિવસ બંધની અસર જોવા મળી હતી. બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમ , આખાય ગુજરાતભરમાં એનઆરસી-સીએએ કાયદાનો વિરોધ નોધાવાયો હતો.


