Gujarat

કોર્પોેરેશનમાંથી ફોન આવ્યો હોય તેવા મૃતકોના સગાંનાં ફોર્મ લેવામાં પ્રાથમિકતા

By GS Team
29 Nov 20212 mins read
This article was originally published on 29 Nov 2021
કોર્પોેરેશનમાંથી ફોન આવ્યો હોય તેવા મૃતકોના સગાંનાં ફોર્મ લેવામાં પ્રાથમિકતા

કોરોના મૃત્યુ સહાયમાં તંત્રની નીતિથી મૂંઝવણ વધી

કોર્પોરેશન તેની પાસે રહેલા ડેટાના આધારે જ  કોલ કરીને વિશેષ સિરિયલ નંબર એલોટ કરી રહ્યું હોવાથી અનેક લોકો દ્વિધામાં મુકાયા

અમદાવાદ : કોરોનામાં સ્વજન ગુમાવનારના વારસદારને રૂપિયા 50 હજારની સહાય મામલે ફોર્મ વિતરણથી સાથે સાથે ફોર્મ સ્વીકારવાની પ્રાથમિકતાને લઇને અનેક લોકો મુંઝવણમાં મુકાયા છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં  આવેલી મામલતદાર કચેરીમાં કોરોના સહાય ફોર્મ લેવા આવનારા લોકોને જો કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાંથી ફોન કરીને  ચોક્કસ સીરીયલ નંબર ફાળવવામાં આવ્યો હોય તેવા લોકોના ફોર્મ જ પ્રાથમિકતાને આધારે સ્વીકારવામાં આવી રહ્યા છે. 

તો જે લોકોને ફોન નથી આવ્યા પણ તેમના સગા કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમને અનેક રજૂઆત બાદ ફોર્મ તો આપવામાં આવે છે. પરંતુ, ખાતરી નથી આપવામાં આવતી કે કોરોના સહાય માટે તે ક્યારે મોકલવામાં આવશે?

કોરોનાની બિમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને રૂપિયા 50 હજારની સહાય જાહેરાત કરવાની સાથે  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી મામલતદાર કચેરીમાં ફોર્મ વિતરણ, ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે.  પરંતુ, ફોર્મ લેવા જનારા અનેક લોકો મુઝવણમાં મુકાયા છે.

કારણ કે  ફોર્મ લેવા આવનાર વ્યક્તિને પુછવામાં આવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનથી ફોન કરીને સીરીયલ નંબર અપાયો છે કે નહી? જે લોકોને સીરીયલ નંબર અપાયો હોય તે કોર્પોરેશનની યાદી સાથે મેચ કરીને ફોર્મ આપવામાં આવી  રહ્યા છે અને તેવા લોકોના જ  ફોર્મ અગ્રીમતા સાથે  લઇને ચકાસણી બાદ મોકલવામાં આવી રહ્યા છે. 

તો જ ે લોકોને કોર્પોરેશન તરફથી ફોન નથી આવ્યો કે તે અંગે માહિતી નથી તેમને માંડ માંડ ફોર્મ તો આપવામાં આવે છે. પરંતુ, તેમને  કહેવામાં આવી રહ્યુ ંછે કે સિરીયલ નંબર મળ્યા છે. તેમના ફોર્મ પહેલા મોકલવામાં આવશે.

શહેરના સેટેલાઇટમાં રહેતા એક વ્યક્તિ  તેમના પિતાનું અવસાન થયુ હોવાને કારણે  કોરોના સહાય માટે ફોર્મ લેવા માટે આવ્યા ત્યારે તેમની પાસેથી કોર્પોરેશન દ્વારા અપાયેલો સિરિયલ નંબર અને મૃતકનું નામ પુછવામાં આવ્યું હતું. પરંતુ, તેમની પાસે સીરીયલ નંબર ન હોવાને કારણે ખાતરી આપવામાં ન આવી કે ફોર્મ  ક્યારે મોકલાશે?  જેથી તે ફોર્મ લીધા વિના જ પરત ગયા  હતા. 

અન્ય એક વ્યક્તિએ જણાવ્યુ કે મારી માતાનું કોરોના સમયે દાખલ હતા ત્યારે તેમનો મોબાઇલ નંબર નોંધાવેલો હતો. જેનો ઉપયોગ ઓછો રહે છે. જેથી ફોન આવ્યો હોય તો પણ ખબર ન રહે.  ઉલ્લેખનીય છે કે કોરોનાના સરકારી મરણના આંકડા અને સાચા આંકડામાં ખુબ મોટો  તફાવત છે. જેથી  કોર્પોરેશન માત્ર તેમની પાસે  રહેલી યાદી પ્રમાણે જ ફોર્મ સબમીટ કરતુ હોવાથી અનેક લોકો સહાયથી વંચિત રહી શકે તેમ છે.