Get The App

બાંધકામના મટિરિયલના ભાવ વધતાં બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારશે

બાંધકામમાં વપરાતી ક્રશના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો થયો

૧૮ માસમાં સ્ટીલના ભાવમાં ૧૦૫ ટકા, સિમેન્ટમાં ૬૮ ટકા, એસીસી બ્લોકમાં ૨૫ ટકાનો વધારો

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
બાંધકામના મટિરિયલના ભાવ વધતાં બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ઓક્ટોબર ૨૦૨૦ પછી સ્ટીલના ભાવમાં ૧૦૫ ટકા, સિમેન્ટના ભાવમાં ૬૮ ટકા, એસીસી બ્લોકના ભાવમાં ૨૫ ટકા, ડીઝલના ભાવમાં ૧૬ ટકા, રેતીના ભાવમાં ૪૮ ટકા, પ્લાયશીટના ભાવમાં ૭૩ ટકા, ફ્લાયએશના ભાવમાં ૨૪ ટકા  તથા ક્રેશના ભાવમાં ૨૫ ટકાનો વધારો થઈ ગયો હોવાથી ગુજરાતની બિલ્ડર લૉબી કોમર્શિયલ અને રેસિડેન્શિય મિલકતોના ભાવમાં વધારો કરવા સક્રિય બની છે. પરિણામે પોતાનું ઘર વસાવવાના મધ્યમ વર્ગના અનેક પરિવારોના સપનાં રોળાઈ જવાની સંભાવના છે. આગામી એપ્રિલથી જ ભાવ વધારો કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

બાંધકામ શરૃ કરતી વખતે લીધેલા બુકિંગના ભાવ બિલ્ડર્સ વધારી શકતા નથી. તેથી તેમણે પાલનપુરમાં સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ ડેવલપર્સની મિટિંગ બોલાવીને ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ રહ્યું છે. આ સાથે જ બાંધકામ માટેના કાચા માલ પૂરા પાડનારાઓની કાર્ટેલ રચાતી અટકાવવા માટે પણ તેમણે સરકારને રજૂઆત કરી છે. 

ગુજરાતના ૪૦ શહેરના બિલ્ડર્સ અને ડેવલપર્સની એક બેઠક આ મુદ્દે ચર્ચા કરવા માટે પાલનપુરમાં મળીહતી. સિમેન્ટના ઉત્પાદકો દ્વારા વાજબી કારણો વિના જ સિમેન્ટના ભાવ વધારી દેવામાં આવતા હોવાની પણ તેમની ફરિયાદ છે. સિમેન્ટની માફક સ્ટીલ કંપનીઓ પણ કાર્ટેલ રચીને બેફામ ભાવ વધારો કરતી હોવાની તેમની ફરિયાદ છે.