વડોદરા જિલ્લામાં વિધાનસભાની 5 બેઠક માટે ભાજપ-કોંગ્રેસની તૈયારીઃકોંગ્રેસે બે બેઠક પર સેન્સ ના લીધો

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી રાજકીય પક્ષોની કવાયત વધી ગઇ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન પાંચ બેઠકમાંથી બે બેઠક પર સેન્સ નહીં લેવાતા આ બંને બેઠકના ઉમેદવાર નિશ્ચિત હોવાનું મનાય છે.

વડોદરા ગ્રામ્ય વિસ્તારની વિધાનસભાની કુલ પાંચ બેઠકમાંથી પાદરા અને કરજણની બે બેઠક કોંગ્રેસે જીતી હતી. પરંતુ કરજણના કોંગી ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાંથી ચૂંટણી લડતાં તેઓ ફરીથી ચૂંટાયા હતા.

કોંગ્રેસના ત્રણ મોવડીઓની પેનલ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.પરંતુ આ પૈકી ડભોઇ બેઠક માટે  પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને ઉમેદવાર નક્કી કરવાની સત્તા આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.જ્યારે,પાદરાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યને રીપીટ કરવામાં આવનાર હોવાની શક્યતા છે.જેથી આ બેઠકો માટે સેન્સ લેવાયો નથી.

બાકીની ત્રણ બેઠક માટે વાઘોડિયા બેઠક પર વડોદરાના પૂર્વ સાંસદ,વડોદરા તાલુકાના પૂર્વ રાજ્ય મંત્રીના પુત્ર,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ તેમજ અન્ય આગેવાનોએ દાવો કર્યો છે.તો સાવલી બેઠક માટે પૂર્વ સંસદીય સચિવ,જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ એક પૂર્વ સદસ્ય સહિતના હોદ્દેદારોએ દાવો કર્યો છે.કરજણ બેઠક માટે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરપરસન, જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના સદસ્ય તેમજ અન્ય આગેવાનોએ દાવો કર્યો છે.

વડોદરા જિલ્લામાં ભાજપના બીજા રાજ્યમાંથી આવેલા હોદ્દેદારોનો પડાવ

દરેક વિધાનસભા બેઠક પર બબ્બે હોદ્દેદારો દ્વારા બુથ અને શક્તિ કેન્દ્રો પર મીટિંગ

વડોદરા જિલ્લામાં ભાજપના અન્ય રાજ્યોમાંથી આવેલા હોદ્દેદારોએ સંગઠન સાથે મીટિંગોનો દોર શરૃ કર્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખના કહ્યા પ્રમાણે, વિધાનસભાની પાંચ બેઠક પર મધ્યપ્રદેશના સંગઠનના પ્રદેશ કક્ષાના હોદ્દેદારો મીટિંગ લઇ રહ્યા છે.

આ હોદ્દેદારો રોજેરોજ બુથ લેવલની મીટિંગ કરી રહ્યા છે અને શક્તિ કેન્દ્રોની પણ માહિતી લઇ સ્થાનિક હોદ્દેદારો સાથે ચર્ચા કરી રહ્યા છે.

City News

Sports

RECENT NEWS