'ઈ.સ.૧માં ભારતનો વર્લ્ડ ટ્રેડમાં ૩૩ ટકા ભાગ હતો જ્યારે હવે માત્ર ૪ ટકા જ રહ્યો છે'
એમ.એસ.યુનિ.માં જીપીએસસસીના ચેરમેને કહ્યું
જે દેશનો યુવાવર્ગ કંઈક નવું શીખવાની ઈચ્છા ન ધરાવે તે દેશ પછી ગુલામ જ બને છે
વડોદરા, તા.28 જાન્યુઆરી 2020, મંગળવાર
ઈ.સ.૧માં નાલંદા યુનિવર્સિટી પાસે ૯૦ લાખ રિસર્ચ પેપર હતા અને તે સમયે ભારતનો વર્લ્ડ ટ્રેડમાં ૩૩ ટકા હિસ્સો હતો. જ્યારે વર્ષ ૨૦૧૬ના આંકડા મુજબ ભારત પાસે ફક્ત ૪.૩ટકા જ રિસર્ચ ડોક્યુમેન્ટ છે અને વર્લ્ડ ટ્રેડમાં માત્ર ૪ ટકા જ હિસ્સો રહ્યો છે. જ્યારે અમેરિકા પાસે ૩૨ ટકા રિસર્ચ ડોક્યુમેન્ટ અને વર્લ્ડ ટ્રેડમાં ૩૬ ટકા, ચીનનો ૨૨ ટકા, જાપાનનો ૮.૮ ટકા અને જર્મનીનો ૬.૬ ટકા હિસ્સો છે. દેશ પાસે રિસર્ચ પેપર જેટલા વધુ એટલો વર્લ્ડ ટ્રેડમાં તેનો હિસ્સો વધુ હોય છે એમ, જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ના ૨૯મી જાન્યુઆરીએ યોજાનારા ૬૮માં પદવીદાનની પૂર્વ સંધ્યાએ વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાને વી આર પ્રાઉડ ઓફ યુ..શીર્ષક હેઠળ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન દિનેશ દાસાએ કહ્યું કે, દુનિયામાં વર્ષ ૧૯૮૦થી ૨૦૦૦માં જન્મેલા મિલેનિયમ જનરેશનની ચર્ચા થઈ રહી છે કે જેઓ પોતાના લક્ષ્યાંક તરફ આગળ વધીને દેશ માટે પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે.
સ્વામી રામકૃષ્ણનું ઉદાહરણ આપી તેમણે કહ્યું કે, જ્યારે સ્વામી જહાજમાં સફર કરી રહ્યા હતા ત્યારે એક ૯૦ વર્ષથી પણ વધારે ઉંમરના વૃધ્ધને ચાઈનીઝ ભાષા શીખતા જોયા. ત્યારે તેમણે એ વૃધ્ધને પૂછ્યું કે તમે આ ઉંમરે કેમ નવી ભાષા શીખી રહ્યા છો?, આ ઉંમરે તમને શું કામ લાગશે? ત્યારે વૃધ્ધે સ્વામીની ઉંમર પૂછી, સ્વામીએ તેમની ઉંમર૩૦ વર્ષ કહી તો તરત જ વૃધ્ધ બોલ્યા એક સમયમાં હિંદુસ્તાનનો ડંકો વાગતો હતો પરંતુ યુવાનોની કંઈક નવું ન શીખવાની ઈચ્છાને કારણે આટલા વર્ષ દેશને ગુલામી સહન કરવી પડી હતી. જે કંઈક નવું શીખે તેને પ્રશ્ન પૂછ્યા વગર દરેક યુવાને તેમાંથી પ્રેરણા લેવાની જરુર છે જો આમ થાય તો દેશ ક્યારેય ગુલામ નહીં બને. હુન્નરના માલિક બનશો તો સૌ કોઈ પૂજશે પણ દેશના યુવાનોની તકલીફ એ છે કે તેમમે શીખવાનું જ બંધ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યુનિ.ના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ડિસ્ટીનગ્વીશ એલ્મની એવોર્ડ અપાય છે. જેમાં આ વર્ષે પોલિટિકલ સાયન્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.જે.એન.સિંહ અને મેથ્સ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.દિશાંત પંચોલીને આપવામાં આવ્યો હતો.
વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કરવો જોઈએ
ગુજરાતના ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંહે કહ્યું કે, વૈદિક સમયમાં પદવીદાન સમારોહ યોજાતો ત્યારે ગુરુ તેમના શિષ્યને કહેતા, હંમેશા સાચુ બોલવું, ભગવાન, માતા-પિતા, પૂર્વજો અને સમાજ પ્રત્યેની ફરજ ક્યારેય ન ભૂલવી, સ્વાસ્થયનું ધ્યાન રાખવું અને પોતાના જીવનકાળ દરમિયાન સતત ભણતા રહેવાનો પ્રયત્ન કરવો. જે આજના સમયમાં પણ દરેક વિદ્યાર્થીને આ લાગુ પડે છે.
વિદ્યાર્થિની સિમરનને સાત અને રિનીને ૬ ગોલ્ડ મેડલ મળશે
મેડિસીનમાં બેચરલ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થિની સિમરન ઠક્કરને સૌથી વધુ સાત ગોલ્ડ મેડલ મળશે. આ વિશે તેણે કહ્યું કે, હું ખૂબ ભાગ્યશાળી છું કે મને એકસાથે સાત ગોલ્ડ મેડલ મળશે. હાલ હું મુંબઈમાં લોકમાન્ય મેડિકલ કોલેજમાંથી એમડી કરી રહી છું. જ્યારે ટેકનોલોજી ફેકલ્ટીની વિદ્યાર્થિની રીની ભાવસારને ૬ ગોલ્ડ મેડલ મળવાના છે.
ઈંટોનો ધંધો કરનાર પિતાની પુત્રીને ત્રણ ગોલ્ડ મેડલ મળશે
માતા ગૃહિણી અને પિતા ઈંટોનો ધંધો કરે છે આવા સામાન્ય કુટુંબમાંથી આવનાર ભૂમિ પ્રજાપતિને એમ.એ ગુજરાતીમાં ત્રણ ગોલ્ડ મેડલ એનાયત થશે. ભૂમિએ કહ્યું કે, એમ.એ કરતી હતી ત્યારે જ પીએચ.ડી માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી અને હવે પ્રો.ભરત મહેતાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી કરી રહી છું. ત્યારબાદ એમ.એસ.યુનિ.માં જ પ્રોફેસર બનવાની ઈચ્છા છે.
એકસાથે બે માસ્ટર ડિગ્રી મેળવનારને ગોલ્ડ મેડલ
એન્વાર્યમેન્ટલ સાયન્સમાં માસ્ટર કરનાર વિદ્યાર્થિની જૂહી રામરખિયાનીને એક ગોલ્ડ મેડલ મળ્યો છે. તેણે કહ્યું કે, એમ.એસ.યુનિ.માં માસ્ટરની સાથે તાંજોરકર ઘરાનામાંથી ભરતનાટયમ નૃત્યમાં માસ્ટર કરી રહી હતી. એકસાથે બંને ડિગ્રીને મેં યોગ્ય ન્યાય આપ્યો છે. બીજી તરફ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરીને ત્રણ ગોલ્ડ મેડલ મેળવનાર પલ્લવી દેશપાંડેને નીતિ આયોગમાં જોડાવવું છે.