Get The App

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા

- રાજ્યમાં હજુ સુધી સરેરાશ ૪૨% વરસાદ

- બનાસકાંઠા-પાટણ-સુરત-વડોદરા-જુનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શનિવાર

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને લોકો ગરમી-ઉકળાટથી ત્રસ્ત થયા છે. રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે આગામી રવિવારે બનાસકાંઠા-પાટણ, સોમવારે અરવલ્લી-મહીસાગર, મંગળવારે સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, બુધવારે નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-બનાસકાંઠા-પાટણ-ભરૃચ-સુરત-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર, ગુરુવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-આણંદ-પંચમહાલ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૃચ-સુરત-ડાંગ-તાપી-જુનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. '

આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી-હવામાં ભેજનું પ્રમાણ ૬૦% નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ જ્યારે આગામી ૬-૭ ઓગસ્ટના ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સુધી ૧૩.૮૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૪૨.૨૩% વરસાદ નોંધાયો છે. જેમાં જૂનમાં ૪.૮૧ ઈંચ જ્યારે જુલાઇમાં ૯ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

 

Tags :