Get The App

જળાશયોના બ્યુટિફિકેશનના કારણે બાયોડાયવર્સિટી ખતમ થઈ જશે

Updated: Feb 9th, 2020

GS TEAM

Google News
Google News
જળાશયોના બ્યુટિફિકેશનના કારણે  બાયોડાયવર્સિટી ખતમ થઈ જશે 1 - image

વડોદરા,તા.9.ફેબ્રુઆરી,રવિવાર,2020

શહેરના જળાશયો(વેટ લેન્ડસ)ના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા હાલમાં જે પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેના કારણે આ જળાશયોની બાયોડાયવર્સિટી ખતમ થઈ જશે તેવી ચેતવણી આજે શહેરની સંસ્થા સોકલીન(સોસાયટી ફોર ક્લીન એન્વાયર્મેન્ટ)દ્વારા યોજાયેલા સેમિનારમાં આપવામાં આવી હતી.

આ સેમિનારમાં શહેરના વેટલેન્ડસ પર  ગુજરાત ઈકોલોજી સોસાયટીના ડો.દીપા ગવલી અને  ડો.જયેન્દ્ર લખમાપુરકરે કરેલા અભ્યાસના તારણ રજૂ થયા હતા.ડો.લખમાપુરકરે  એક વાતચીતમાં કહ્યુ હતુ કે, હાલમાં કોર્પોરેશન શહેરના જળાશયોનુ બ્યુટિફિકેશન કરી રહ્યુ છે.જેમાં જળાશયોની આસપાસ તો ઠીક છે પણ અંદરની તરફ કિનારાઓ પર પણ સિમેન્ટ કોંક્રિટનુ ચણતર કરવામાં આવી રહ્યુ છે.સામાન્ય રીતે જળાશયોના કિનારા પર હરિયાળી અને ઘાસ હોય છે.જેના પર નાના જીવડા નભે છે અને જીવડાના કારણે જળાશયોની માછલીઓ અને પક્ષીઓ પણ આધાર રાખે છે.પણ સિમેન્ટ-કોન્ક્રિટના કારણે આ હરિયાળી ખતમ થઈ જશે.હાલમાં શહેરના જે પણ જળાશયો પર આ રીતે બ્યુટિફિકેશન કરાયુ છે ત્યાં પક્ષીઓ આવતા ઓછા થઈ ગયા છે.

તેમનુ કહેવુ હતુ કે, બાયોડાયવર્સિટીની સાથે સાથે બ્યુટિફિકેશન માટેની આ ડીઝાઈનના કારણે જળાશયોમાંના પાણીથી  આસપાસના વિસ્તારોમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ થતુ હતુ તે પણ ઓછુ થઈ જવાનો ખતરો છે.ઉપરાંત બહારના કાંસોનુ પાણી જળાશયોમાં ઠાલવવાની અગાઉની જે વ્યવસ્થા હતી તે પણ સિમેન્ટ કોંક્રિટની દિવાલોના કારણે ખતમ થઈ જશે.સૂરસાગરમાં તો કદાચ બહારથી જે પાણી આવવાના રસ્તા હતા તે બ્યુટિફિકેશનના કારણે પૂરાઈ જ ગયા છે.હવે સૂરસાગર માત્ર ઉપરથી પડતા વરસાદના પાણીથી જ ભરાય તો નવાઈ નહી હોય.

ડો.લખમાપુરકરના મતે  જળાશયો પર થઈ રહેલા દબાણો , પૂરાણના કારણે સરવાળે જળાશયોનુ કદ પણ સંકોચાઈ રહ્યુ છે.૨૦૦૫માં વડોદરામાં ૩૩૩ એકર જમીન પર જળાશયો હતા.આજે માત્ર ૨૧૨ એકર જમીન પર જળાશયો છે.


Tags :