Get The App

નવલખી ગેંગરેપ કેસમાં ડેથ પેનલ્ટીની જોગવાઈ ધરાવતી સબ કલોઝ કલમ ૬(૧)નો ઉમેરો

ચાર્જશીટ પૂર્વે પોલીસે અદાલતમાં કલમ ફેરફારનો રિપોર્ટ રજૂ કર્યો

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
નવલખી ગેંગરેપ કેસમાં  ડેથ પેનલ્ટીની જોગવાઈ ધરાવતી સબ કલોઝ કલમ ૬(૧)નો ઉમેરો 1 - image

 વડોદરા,તા,21,જાન્યુઆરી,2020,મંગળવાર

નવલખી ગેંગરેપ કેસમાં પકડાયેલા બે આરોપી વિરૃદ્ધ કોર્ટમાં ચાર્જશીટ  રજૂ કરતાં પૂર્વે ક્રાઈમ બ્રાંચે કલમ ફેરફારનો રિપોર્ટ આજે કર્યો હતો.  આરોપીના વકીલે આ રીપોર્ટ સામે જવાબ રજૂ કરવા સમય માંગતા કોર્ટે આવતીકાલની મુદ્દત આપી છે.

આ અંગેની વિગત  એવી છે કે  ગત ૨૯મી નવેમ્બરે નવલખી કંપાઉન્ડમાં તેના બોયફ્રેન્ડ સાથે બેઠેલી સગીરાનું અપહરણ કરી બે નરાધમો દૂર ઝાડીઓમાં ખેંચી ગયા પછી તેના  બોયફ્રેન્ડને માર મારીને ભગાડી મૂક્યો હતો.

તે પછી બે નરાધમોએ સગીરા પર વારાફરતી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ સગીરા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ કર્યું હતુ. જે ગુનામાં પોલીસે બે આરોપી જસો વનરાજ સોલંકી અને કિશન કાળુભાઈ  માથાસુરિયાની ધરપકડ કરી હતી. ગુનાની તપાસ માટે આરોપીના રિમાન્ડ પોલીસે મેળવ્યા અને રિમાન્ડ પૂરા થયા પછી બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. બંને આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. અદાલત સમક્ષ ચાર્જશીટ રજુ કરતાં પૂર્વે તપાસ અધિકારીએ આજે કોર્ટમાં કલમ ફેરફારનો રિપોર્ટ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે  ગુનાની તપાસ દરમિયાન  ઈપીકો કલમ ૩૨૫ (વ્યથા) મુજબનો કોઈ પુરાવો પ્રાપ્ત થયો નથી. તેમજ આઈપીસી કલમ ૩૭૬ (ડી) પુખ્ત વયની મહિલા ભોગ બની હોય ત્યારે લાગુ પડતી  હોય છે. જેથી બંને કલમ એફ.આઈ.આર.માંથી કમી  કરવા માટે વિનંતી છે. તેમજ  આરોપીઓએ  મોપેડની ચાવીની પણ લૂંટ કરી હોવાનું તપાસમાં જણાઈ આવ્યુ છે. જેથી ફરિયાદમાં આઈપીસી કલમ ૩૯૪  નો ઉમેરો થવા વિનંતી છે.  તેમજ પોક્સ એકટની  કલમ ૫(જી) (એચ) (આઈ) (એલ)   ગંભીર જાતીય હુમલાની વ્યાખ્યા અંગેની હોઈ અને તે અંગેની સજાની કલમ પોક્સો એકટ કલમ ૬(૧) હોવાથી આ કેસમાં કલમ ૫(જી) (એચ) (આઈ) (એલ) કમી કરવા તથા પોક્સો એકટની કલમ ૬ (૧)નો ઉમેરો ગણી લેવા વિનંતી છે. પોલીસે અગાઉ  પોક્સો એકટની કલમ ૬ ઉમેરી જ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ઉમેરી પોક્સોની કલમ ૬(૧)માં ફાંસીની સજાની જોગવાઈ છે. આ   રિપોર્ટની સામે જવાબ રજૂ કરવા આરોપીના વકીલે સમય માંગતા અદાલતે આવતીકાલની મુદત આપી છે.

પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટ ૮૦૦ થી ૧૦૦૦ પાનાની હોવાનું જાણવા મળ્યું છે.

Tags :