વડોદરા,તા.20 નવેમ્બર,2020,શુક્રવાર
વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવા માટે પોલીસનો જંગી કાફલો ખડકી દેવાશે.
રાજ્ય સરકારે કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે રાત્રિ કર્ફ્યુ નાંખવાની જાહેરાત કરતાં વડોદરા શહેરમાં પણ આવતીકાલે તા.૨૧મીથી તેનો અમલ કરવામાં આવનાર છે.
શહેર પોલીસ કમિશનરે આ અંગે આજે મોડી રાતે જાહેરનામું પ્રસિધ્ધ કરી જરૃરી સૂચનાઓ આપી છે.આ જાહેરનામામાં દૂધ, ફાર્માસ્યુટિકલ જેવા ઇમરજન્સી ઉત્પાદનોના કર્મચારીઓ સહિતની ઇમરજન્સી સેવાઓમાં જોડાયેલા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.
જ્યારે,ટ્રેન અને પ્લેનની ટિકિટો બુક થઇ હોય તેવા લોકોને ટિકિટો જોઇને જવા દેવા તેમજ તેમને લઇ જતી ટેક્સીને પણ છૂટ આપવામાં આવી છે.લગ્ન પ્રસંગો માટે સ્થાનિક પોલીસની મંજૂરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે આજે ઉચ્ચ અધિકારીઓને જાહેરનામાના અમલ માટે સૂચના આપી આવતીકાલે મોડી સાંજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારો તેમજ ચેકપોસ્ટો પર કાફલો તૈનાત કરવા જણાવ્યું છે.જ્યારે સીસીટીવી મારફતે પણ નજર રાખવામાં આવશે.


