વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં 100થી વધુ ધાબા પર પોલીસ પોઇન્ટ : ACP અને PI એ જાતે ચકાસણી કરી
- ગણેશોત્સવ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ સઘન ચેકિંગ
વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
ગણેશોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે ગ્રાઉન્ડ લેવલેનું ચેકિંગ શરૂ કર્યું છે. સીપી, જોઇન્ટ સીપી સહિતના અધિકારીઓ શહેરના પર બાજ નજર રાખી રહ્યા છે. તેવી જ રીતે 100થી વધુ સંવદેનશીલ વિસ્તારોમાં એસીપી તથા પીઆઇ દ્વારા ધાબા પોઇન્ટની ચકાસણી કરી હતી.
ગણેશોત્સવને લઈને વ્યુહાત્મક પોલીસ બંદોબસ્તની યોજના વડોદરા શહેર પોલીસ દ્વારા ઘડી દેવામાં આવી છે. અગાઉના વર્ષોમાં ગણેશ વિસર્જનમાં સંવેદનશીલ વિસ્તારોમાં કોમી છમકલા થયા હતા. અસામાજિક તત્વોનો પ્લાન પાર ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ પહેલાથી જ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિત ડીસીપી અધિકારીઓ શહેરમાં સતત બાજ નજર રાખી રહ્યા છે. ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ દ્વારા આજે 100થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટની ચકાસણી કરવામાં આવી હતી. સાથે ગણેશ વિસર્જન દરમિયાન ઘોડે સવાર પોલીસ અને ગ્રાઉન્ડ લેવલ પરના બંદોબસ્તને પહોંચી વળવા માટે જિલ્લા બહારથી 10 ડીવાયએસપી 35 પીઆઇ 60 પીએસઆઇ 600 પોલીસ જવાનો 1500 જેટલા હોમગાર્ડ શહેરમાં આવી પહોંચશે. ગુરુવારે પાણીગેટ વિસ્તારમાં એસીપી ભોજાણી અને સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ રાજેશ ચૌહાણ સહિત અધિકારીઓનો કાફલાએ ધાબા પોઇન્ટની ચકાસણી કરવા માટે પહોંચ્યો હતો.