અમદાવાદ,તા.26 ડિસેમ્બર 2021, રવિવાર
ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, બજારોમાં ઉતરાયણ પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે, પગંત-દોરીના કાઉન્ટરો ઉભા થઇ ગયા છે. દોરી રંગવાનું કામ દિવસ-રાત ધમધોકાર ચાલી રહ્યું છે. વેપારીઓ અને ગ્રાહકો ઉતરાયણને લઇને ખરીદ-વેચાણ અને તૈયારીઓમાં પડયા છે. જ્યારે પોલીસ ખાતું ઉંઘી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. ચાઇનીઝ દોરી અને તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા હજુ સુધી બહાર પડાયું નથી. માલ-સ્ટોક, ખરીદ-વેચાણની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછીનું ગમે તેવા પ્રતિબંધ લગાવતું જાહેરનામું શું કામનું ? જાનલેવા ચાઇનીઝ દોરી અને શહેરને ભડકે બાળતું તુક્કલ લોકોના ઘરે પહોંચી રહ્યું છે !તે હદની રાખવામાં આવી રહેલી ગંભીર બેદરકારી આગામી સમયમાં શહેરીજનોને ભારે પડવાની સંભાવના છે.
પૂર્વ અમદાવાદ સહિત સમગ્ર અમદાવાદમાં પતંગ-દોરીના સ્ટોલ ખુલી ગયા છે, દરેક રોડ, ગલીના નાકે દોરીઓ રંગાવા માંડી છે. પતંગ બજારો ખૂલી રહ્યા છે. ગ્રાહકોની અવર-જવર, પુછપરછ વધી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલને લગતા પ્રતિબંધોનું જાહેરનામું બહાર પડાયું નથી.
મહિના પહેલા બહાર પાડવાનું જાહેરનામું પંદરેક દિવસ બાકી હોવા છતાંય બહાર પડાયું નથી. એટલેકે છુપી રીતે સરકાર ચાઇનાના માલને છુટ આપી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. માલ વેચાણ થઇ ગયા બાદ છેલ્લી ઘડીએ ચાઇનીઝ દોરી-તુક્કલ અંગેનું જાહેરનામું બહાર પાડીને દેખાડો કરાઇ રહ્યો હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે.
અમદાવાદમાં ચાઇનીઝ તુક્કરના કારણે આગ લાગવા દર વર્ષે આશરે ૧૫ થી ૧૭ બનાવો બનતા હોય છે. જેમાં જાનમાલને ભારે નુકશાન થતું હોય છે. ઇલેક્ટ્રીક, ફર્નિચર સહિતના ગોડાઉનો સળગવાના, ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના, બંધ પડેલા કારખાનામાં ખુલ્લામાં કે ધાબા પર પડેલો કચરો સળગવાના અનેક બનાવો ભૂતકાળમાં બનેલા છે.
ગ્રામ્ય વિસ્તારમાં સુકુ ઘાસ સળગવાના પણ બનાવો બનતા હોય છે. આમ નજીવી ઉજવણી અને શોખ -આનંદ મોટાપાયે જાનમાલને નુકશાન પહોંચાડે છે. ફાયરબ્રિગેડે પણ આખા શહેરમાં બે દિવસ સતત દોડધામ કરવી પડતી હોય છે. આગ ઓલવવામાં લાખો લીટર પાણીનો બગાડ થતો હોય છે. આ સ્થિતિ દર વર્ષની છે. દર વર્ષે અવનવા કડવા અનુભવો શહેરને થતા હોય છે. છતાંય પોલીસ તંત્ર, મ્યુનિ.તંત્ર કે સરકાર દ્વારા શહેર અને લોકોના જાનમાલની સલામતી માટે આગોતરૂ આયોજન કરવામાં અક્ષમ્ય બેદરકારી દાખવાતી હોય છે.
ચાઇનીઝ દોરી આયાત થઇ ગયા બાદ પ્રતિબંધનું નાટક કેમ ?
ચાઇનીઝ દોરી' જાનલેવા દોરી' સાબિત થઇ રહી છે. દર વર્ષે આ દોરી પર છેલ્લી ઘડીએ પ્રતિબંધ મુકવાનું નાટક કરાય છે. ચાઇનામાંથી મહિનાઓ પહેલા માલ આવી ગયો હોય છે. હોલસેલ અને રિટેલ માર્કેટમાં માલ પહોંચી પણ ગયો હોય છે પછી સરકાર જાગે છે અને ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું બ્યુગલ ફૂંકે છે.
'પાણી વહી ગયા પછી પાળ બાંધવા'નો કોઇ અર્થ સરતો નથી. દર વર્ષે શહેરમાં મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનું ધુમ વેચાણ થાય છે. આ દોરીના કારણે લોકોના ગળા કપાય છે. કાન, નાક, કપાળ, હાથ-પગ ગંભીર રીતે કપાઇને લોહીલુહાણ થઇ જતા હોય છે.ઇજાગ્રસ્તોને જીવનભરના ઘા મળી જાય છે. ખાસ કરીને ટુ વ્હિલર સવારો માટે ઉતરાયણનો પર્વ સંકટ લઇને આવે છે. ખાસ કરીને બાળકોના ગળા કપાઇ જવાના કિસ્સા સામે આવે છે ત્યારે ભલભલાના હૈયા કંપી જાય છે.
એકનો એક છોકરો ચાઇનીઝ દોરીથી મરણ પામે તે ઘા અસહનિય હોય છે. ઇમરજન્સી સેવા ૧૦૮ વાનના કોલ પણ આ સમયગાળામાં વધી જાય છે. બીજી બાજુ આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ પણ ઘાયલ થાય છે. મરણ પામે છે. ગાય-ભેંસ સહિતના પ્રાણીઓ પણ દોરીના કારણે લોહીલુહાણ થતા હોય છે. આમ ચાઇનીઝ દોરીની આયાત પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠી છે.
રામોલમાં તુક્કલથી ઝૂંપડામાં આગ લાગી હતી, ત્રણેક લોકો મોતને ભેડયા હતા !
તુક્કલના કારણે પાંચેક વર્ષ પહેલા રામોલ પોલીસ સ્ટેશનની સામેના ખેતરમાં ઝૂંપડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઠંડીમાં ઝૂંપડામાં ટુંટિયું વાળીને સુઇ ગયેલા પરિવારના કેટલાક સભ્યોની આ છેલ્લી ઉંઘ હતી. રાત્રે તુક્કલના કારણે મીણીયા, કંતાનના બનેલા ઝૂંપડામાં આગ લાગવાથી બાળક સહિત ત્રણેક લોકોના મોત દાઝી જવાથી થયા હતા. તે સમયે આ બનાવે સમગ્ર શહેરને તુકકલના વપરાશની ભયાનકતા સમજાવી હતી.
અસલાલી અને થલતેજમાં ગોડાઉનોમાં પણ તુક્કલના કારણે આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં ભારે આર્થિક નુકશાની થવા પામી હતી. આ વર્ષે તેનું પૂનરાવર્તન ન થાય તે જોવાની જેની જવાબદારી છે તે તંત્ર જ હજુ સુધી જાગ્યું નથી. જે એક કમનસીબી છે.
દર વર્ષે પ્રતિબંધ મૂકાતો હોવા છતાંય આ ચીજ વસ્તુઓ બજારમાં છૂટથી મળી રહે છે તે જ નવાઇની વાત છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણની રાત્રે શહેરનું આકાશ તુક્કલોથી છવાઇ જાય છે તે પણ એક નરી વાસ્તવિકતા છે. તંત્ર જોતું રહી જાય છે.મજા માણનારા લોકો મજા માણી લેતા હોય છે અને આકસ્મિત દુર્ઘટનાઓમાં ભોગવનારાઓ તેની નુકશાની વેઠે છે. તંત્ર અને તુક્કલ-ચાઇનીઝ દોરીના રસીકો સંવેદનહીન બની ગયા હોવાની લાગણી શહેરીજનો અનુભવે છે.


