ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ૫૬૦ અરજી પૈકી 152માં પોલીસ ફરિયાદ
- ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020ના અમલ બાદ ભૂમાફિયાઓ ફફડયાં
- જિલ્લામાં ૪૩૪ અરજી રદ, ૫૬ હજુ પેન્ડિંગ : ૪૧ કિસ્સામાં દબાણ કરનાર માથાભારે ભૂમાફિયાઓ સામે કાનૂની પગલાં લેવાયા
નડિયાદ
રાજ્ય સરકારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ અમલી બનાવ્યો છે. ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ આજ સુધીમાં ૫૬૦ જેટલી અરજીઓ કલેક્ટર કચેરીમાં નોંધાઇ છે. જેમાંથી ૪૧ અરજીમાં ૧૫૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધવા જિલ્લા કલેકટર દ્વારા હુકમ કર્યોે છે.
ખેડા જિલ્લામાં આ કાયદો અમલી બન્યો ત્યારથી આજ સુધીમાં કિંમતી જમીન મકાન જેવી મિલકતો પર ગેરકાયદેસર કબ્જો કર્યો અંગે ૫૬૦ જેટલી અરજીઓ કલેકટર કચેરી નડિયાદને મળી છે. આ અરજીઓની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તંત્ર દ્વારા ૪૩૪ અરજીઓ રદ કરવામાં આવી છે. જ્યારે ૭૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. જેમાં ૪૧ કિસ્સામાં દબાણ કબ્જો જમાવનારા ૧૫૨ માથાભારે ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવા કલેકટર ખેડા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે ૫૬૦ અરજીઓમાંથી ૫૬ અરજીઓ પેન્ડિંગ હાલતમાં છે.
ખેડા જિલ્લામાં જિલ્લા મથક નડિયાદ રીંગ રોડ બિલોદરા ચોકડી પર સોનાની લગડી જેવી લાખો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદેસર થયેલા પાકા દબાણો સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ સરકારી જમીન ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરનાર કુખ્યાત ભૂમાફિયા ભાનુ ભરવાડ તેમજ તેમના સાગરીતો સાથે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ખેડા તાલુકામાં વાત્રક નદીના પટ પર કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
લેન્ડ ગ્રેબિંગ હેઠળ ૧૦ વર્ષની સજા અને જંત્રીથી દસ ગણા દંડની જોગવાઈ
સરકારી કિંમતી જમીન મકાન પર થતા ગેરકાયદેસર દબાણો કબજાના બનાવો અટકાવવા ગુજરાત લેન્ડગ્રેબિંગ પ્રતિબંધક એક્ટ - ૨૦૨૦ નો કાયદો બનાવ્યો છે આ કાયદા હેઠળ કસૂરવાર ને દસ વર્ષની જેલની સજા અને કબજા વાળી જમીન મકાનની જંત્રી મુજબ કિંમત કરતા દસ ગણો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.