Get The App

કોરોનાના નકલી ઇન્જેકશનોના કેસમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી

- બાંગ્લાદેશથી ફ્લાઈટમાં લાવવામાં આવેલા

- વિદેશથી ખાતરી કર્યા વગર લવાયેલા 500 ની કિંમતના ઇન્જેકશન 18 હજારમાં વેચતા હતા : અમદાવાદ, સુરતમાં 66 ઇન્જેકશન વેચ્યા હતા

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના નકલી ઇન્જેકશનોના કેસમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી 1 - image


અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર

બાંગ્લાદેશથી ખાત્રી કર્યા વગર આયાત કરેલા કોરોના માટેના ઈંજેકશનોના કાળાબજાર કરતા મહિલા સહિત ચાર આરોપીની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે.બાંગ્લાદેશથી ફ્લાઈટમાં લવાયેલા પાંચસોની કિંમતના આ ઈંજેકશન કાળાબજારમાં રૂ.18,000માં વેચવામાં આવતા હતા.

આરોપીની મકરબાની પેઢીમાંથી પોલીસે 88 રેમડેસીવીર ઈંજેકશનો, કોમ્બીપેક તથા સ્ટેરાઈલ વોટરનો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં આરોપીઓએ અમદાવાદ અને સુરતમાં કુલ 111 ઈંજેકશનો ઉંચા ભાવે વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાંચે આ કેસમાં નીલકંઠ એલએલપી મકરબાની પેઢીના જવાબદાર વહીવટકર્તા પાર્થ બાબુલાલ ગોયાણી તેની પત્ની અને પેઢીમાં ભાગીદાર તથા દવાની આવક જાવક સંભાળતી વૈશાલી પાર્થ ગોયાણી, કમિશન એજન્ટ સંદિપ ચંદુભાઈ માથુકીયા અને ભાગીદાર દર્શનકુમાર સુરેશભાઈ સોનીની અટક કરી હતી. પોલીસે તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

સુરતમાં ગેરકાયદે રેમડેસીવીર ઈંજેકશનના કાળાબજાર થતા હોવાનું બહાર આવતા સુરતના ઔષધ નિરીક્ષકે બોગસ ગ્રાહક ઉભો કરી તપાસ કરતા સંદિપ માથુકીયા આ ઈંજેકશનના કાળાબજાર કરતો હોવાની માહિતી બહાર આવી હતી.આ ઈંજેકશન તેના પિતરાઈ ભાઈ યશકુમાર માથુકીયાએ બોગસ ગ્રાહકને રૂ.36,000માં આપ્યું હોવાનું બહાર આવતા તપાસમાં તેના ઘરેથી રેમડેસીવીર ઈંજેકશનનો જથ્થો મળી આવ્યો હતો.

 ઉપરાંત આ ઈંજેકશનો બાંગ્લાદેશમાં ઉત્પાદિત થયા હોવાનું પણ બહાર આવ્યું હતું. પુછપરછમાં સંદિપ માથુકીયાએ આ ઈંજકશન મકરબા સ્થિત નિલકંઠ એલએલપી પેઢીમાંથી પાર્થ ગોયાણી પાસેથી મેળવતો હોવાનું કહ્યું હતું.આથી મકરબાની પેઢીમાં પાસ કરાતા રેમડેસીવીરના 98 ઈંજેકશન, કોમ્બીપેક તથા સ્ટીરાઈલ વોટરનો જથ્થો મળી આવ્યો હતો.

પાર્થ ગોયાણીએ પુછપરછમાં કહ્યું હતું કે તેણે બાંગ્લાદેશમાં રહેતા શબ્બીરઅહેમદ પાસેથી 7 જુલાઈ 2020 તથા 12 જુલાઈ 2020ના રોજ બિલ વગર 209 ઈંજેકશનો અગરતલા ખાતે સંદિપ માથુકીયાને મોકલી ખરીદ્યા હતા અને ફ્લાઈટ મારફતે અગરતલાથી અમદાવાદ મંગાવ્યા હતા. બાદમાં કમિશન  એજન્ટ સંદિપ માથુકીયા મારફતે 45 ઈંજેક્શન સુરતમાં તથા 66 ઈંજેકશન અમદાવાદમાં ઉંચા ભાવે કોરોના દર્દીઓના સગાઓને તથા ડોક્ટરોને વગર બિલે વેચ્યા હતા.

આરોપીઓએ દવાના આયાત લાયસન્સ વગર બાંગ્લાદેશથી  બિલ વગર આ ઈંજેકશન મંગાવી કંમતના લેબલ પર છેકછાક કરીને કિંમત કાઢી નાંખી ઉંચા ભાવે કાળાબજારમાં વેચ્યા હતા. વધુમાં તેણે કહ્યું હતું કે બાંગ્લાદેશના શબ્બીરઅહેમદને તે છેલ્લા દોઢ વર્ષથી ઓળખે છે અને શબ્બીરને અહીંથી દવાઓ બાગ્લાદેશ એક્સપોર્ટ કરતો હતો. કોરોનાની મહામારીને કારણે રેમડેસીવીર દવાની ખુબ માંગ હોવાથી તેણે શબ્બીર મારફતે આ ઈંજેકશનો મંગાવ્યા હતા.

આ ઈંજેકશનો લેવા દંદિપ ફ્લાઈટમાં અગરતલા ગયો હતો અને ત્યાં હોટેલ ઝીંઝરમાં દવાની ડિલીવરી મળી હતી. બાદમાં તેણે ફ્લાઈટમાં દવાના પાર્સલ પાર્થને મોકલ્યા હતા. આ ઈંજેકશન પર બાંગ્લાદેશના ચલણની કિંમત 5500 ટાકા લખેલી હતી. જે ભારતીય ચલણ પ્રમાણે રૂ.5,000 થતી હતી. તેમછતા આરોપીઓ આ ઈંજેકશન રૂ.15થી 18 હજારમાં વેચતા હતા. તપાસ માટે આ ઈંજેકશન વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે.

Tags :