વડોદરામાં આવતીકાલે વડાપ્રધાનના જન્મોત્સવ સાથે પ્રવેશોત્સવની ભાજપ દ્વારા ઉજવણી
Updated: Sep 16th, 2023
- કોંગીના બે પૂર્વ પ્રમુખ બે પૂર્વ કોર્પોરેટર સહિત અનેક કોંગ્રેસ-આપના કેટલાય અગ્રણીઓ સાથે 2000થી વધુ કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરશે
- વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે શહેરમાં વિશેષ કાર્યક્રમ: ઠેર ઠેર ભાજપના ભગવા લહેરાવા સાથે ભાજપનું માઇક્રો પ્લાનિંગ
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેરમાં સયાજીગંજ ખાતે આવેલું ભાજપ કાર્યાલય નાનું પડતું હોવાથી કારેલીબાગ જલારામ મંદિર માર્ગ પર અન્ય નવું કાર્યાલયના બાંધકામની શરૂઆત અને વડાપ્રધાનના જન્મદિને બે અધ્યક્ષ અને ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં રાજીનામાં આપનારા કોંગ્રેસી અગ્રણીઓ પણ આ દિવસે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરશે.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારના બહુચરાજી રોડ પર વિશાળ જગ્યામાં ભાજપનું નવું આધુનિક કાર્યાલય તૈયાર થનાર છે ત્યારે આવતીકાલથી નવા કાર્યાલયના બાંધકામની કામગીરી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે તા.17મી વડોદરામાં નવી જગ્યાએ વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે અને ભાજપનું માઇક્રો પ્લાનિંગ અગાઉથી ગોઠવાઈ ગયું છે. હરણી એરપોર્ટથી બહુચરાજી થી આરાધના ટોકીઝના રસ્તે ઠેર ઠેર ભાજપના ભગવા લટકાવી દેવામાં આવ્યા છે.
પાલિકા કોર્પોરેશનના નવા મેયર પિન્કીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી ડે મેયર ચિરાગ બારોટ તથા ભાજપ પક્ષના નેતા મનોજ પટેલ સહિતના પદાધિકારીઓના સ્વાગત સન્માનનો પણ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અંદાજિત 2000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાવા થનગની રહ્યા છે. જોકે અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ સહિત કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા પ્રશાંત પટેલ, જયેશ ઠક્કર, ભાજપના ઉમેદવાર સામે વિધાનસભાની ચૂંટણી લડનાર પૂર્વક કોર્પોરેટર અનિલ પરમાર સહિત ચારેય પૂર્વ કોંગી અગ્રણીઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે.
એવો પણ ગણગણાટ કોંગ્રેસમાં શરૂ થયો છે કે હજી પણ કેટલાક અગ્રણીઓ છેલ્લી ઘડીએ રાજીનામાં આપીને કેસરિયો ધારણ કરવા માટે ભારે ઉત્સુક છે.
કોંગ્રેસના સાત કોર્પોરેટર ભાજપમાં નહિ જોડાય
શહેર ભાજપ દ્વારા આવતીકાલે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે કારેલીબાગ બહુચરાજી રોડ પર બંધાનારા આધુનિક કાર્યાલય ની જગ્યામાં બંધાયેલા વિશાળ સમિયાણામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિરોધ પક્ષના અનેક પૂર્વ નેતાઓ ભાજપમાં જોડાવાના છે ત્યારે શહેર કોંગ્રેસના દંડક અને કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરો પૈકીના કોઈપણ કોર્પોરેટર ભાજપમાં જોડાવાના નથી તેવો સ્પષ્ટ ખુલાસો કર્યો હતો.