પોલીસે વૃદ્ધાને ઢસડીને ઘર બહાર કાઢતા હાઇકોર્ટમાં રિટ
ચાંદખેડા વિસ્તારના બનાવમાં ગંભીર આક્ષેપો
પુત્ર સાથેના જમીન અને નાણાકીય વિવાદમાં વૃદ્ધ માતા-પિતા પર પોલીસે અત્યાચાર કર્યાનો આક્ષેપ
અમદાવાદ,
શુક્રવાર
ચાંદખેડા વિસ્તારમાં પોલીસે એક વૃદ્ધાને ઢસડીને ઘર બહાર
કાઢ્યા હોવાનો અને તેમના પતિના ખાટલામાં જ ઉંચકી બહાર કાઢી અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતી રિટ ગુજરાત
હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે રિપોર્ટ ફાઇલ કરવાનો
નિર્દેશ કરી વધુ સુનાવણી ૧૫મી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
ચાંદખેડામાં રહેતાં વૃદ્ધાએ હાઇકોર્ટમં રિટ કરી આક્ષેપ
કર્યો છે કે તેમના પુત્રને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિકારી વિજય રાઠોડ સાથે
ઘરની માલિકી બાબતે તકરાર થઇ હતી અને તેમના પુત્ર પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે
તેણે વિજય રાઠોડ પાસેથી લીધેલા પૈસા પરત આપ્યા નથી. આ વિવાદમાં ઇન્ટેલિજન્સ
બ્યુરોના આ અધિકારી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ તમના ઘરે આવી
વૃદ્ધાને ઢસડીને ઘરની બહાર કાઢ્યા હતા અને તેમના પતિને ખાટલામાંથી ઉંચકી બહાર
કાઢવામાં આવ્યા હતા અને પોલીસકર્મીઓ દ્વારા વૃદ્ધો સાથે અશોભનીય વર્તન કરવામાં
આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ સ્ટેશને લઇ જઇને પણ તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં
આવ્યું હતું. આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટમાં રિટ કરી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી
છે.