ગામડાઓમાં લોકોને વિવિધ પ્લાન્ટસની ઓળખ અને ઉપયોગનું શિક્ષણ આપવાનું અભિયાન
વડોદરા,તા.9.ફેબ્રુઆરી,રવિવાર,2020
ગ્રામ્ય વિસ્તારમાં ઉગતા અલગ અલગ પ્રકારના પ્લાન્ટસ રોજ બરોજના જીવનમાં દવા અને બીજા અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.પણ ગામડામાં રહેલા ઘણા લોકો આ પ્લાન્ટસના મહત્વથી અજાણ હોય છે.હવે વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ પ્લાન્ટની ઓળખ અને તેના ઉપયોગનુ શિક્ષણ આપવાનુ એક અભિયાન શરુ કરાયુ છે.
સરકારના સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડની મદદથી ગુજરાત ઈકોલોજી સોસાયટી દ્વારા પાણીગેટની સરકારી આર્યુવેદિક કોલેજના ડોક્ટરોની સહાયથી અત્યાર સુધીમાં ૯ ગામડાઓમાં લોકોને પ્લાન્ટસની ઓળખ અને તેના ઉપયોગની સમજ અપાઈ ચુકી છે.આ અભિયાનમાં એક વર્ષમાં કુલ ૨૦ ગામડાઓને આવરી લેવાશે.
પ્લાન્ટસની ઓળખ અને તેના ઉપયોગનુ ગ્રામજનોને શિક્ષણ આપતા આર્યુવેદિક કોલેજના ડોક્ટર કમલેશ ભોગાયતા કહે છે કે, આ ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ ૩૦ થી ૩૫ જેટલા પ્લાન્ટસ એવા છે જે કોઈને કોઈ રોગમાં ઉપયોગી છે.કેટલાકનો ઉપયોગ તો દવા બનાવવામાં પણ થાય છે.આ પ્લાન્ટસને ઓળખીને તેમાંથી ઉકાળો, લેપ, મલમ, હર્બલ ટી, કફ સીરપ જેવી પ્રોડક્ટસ કેવી રીતે બનાવી શકાય તે અમે ગામના લોકોને શીખવાડીએ છે.આ માટે દરેક ગામમાં અમે ૫૦ વ્યક્તિઓના સેલ્ફ હેલ્પ ગુ્રપ બનાવ્યા છે.તેમનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં આ અભિયાનમાં રસોડાના મસાલાનો સ્વાસ્થ્ય માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય તે પણ શીખવાડવામાં આવશે.
કયા પ્લાન્ટસનો કઈ રીતે ઉપયોગ થઈ શકે
કુમારપાઠુ- દાઝી ગયેલા ભાગ પર લગાડવા માટે
અડુસી- શરદી, ખાંસી માટે
નગોળ-સાંધાના દુખાવા માટે
ગરમાળો-બાળકો, સગર્ભા સ્ત્રીઓને રેચ આપવા
સપ્તપર્ણી- બીમારીમાં મદદરુપ થાય છે
સરગવો- રોગ પ્રતિકારક શક્તિ વધારવા
ગળો- મેલેરિયામાં સારવાર માટે
હાંડસાંકળ-હાડકાના રોગો માટે
મહિલાઓ રોજગારી મેળવી શકે તેવો પ્રયાસ
ગુજરાત ઈકોલોજી સોસાયટીના ડાયરેક્ટર ડો.દીપા ગવલીના કહેવા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પુરુષોની સાથે સાથે મહિલાઓને આ અભિયાનમાં મોટી સંખ્યામાં સામેલ કરવાની કોશિશ કરાઈ છે.જેથી તેઓ આ પ્લાન્ટસનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી શકે.એક વર્ષમાં કુલ ૨૦ ગામડાઓમાં સેલ્ફ હેલ્પ ગૂ્રપ બનાવવાનુ લક્ષ્યાંક છે.