બે સંતાનની માતા પર દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કર્યા
માંજલપુર વિસ્તારના યુવકે ચપ્પુ બતાવી ધમકી પણ આપી ઃ પોલીસે ધરપકડ કરી
વડોદરા, તા.26 શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ માંજલપુર વિસ્તારનાં એક યુવાને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને વિવિધ હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યા બાદ પરિણીતાના નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કરી ચપ્પુ બતાવી ધમકી આપી હોવાની ફરિયાદ થતાં પોલીસે યુવકને ઝડપી પાડયો છે.
આ અંગેની વિગત એવી છે કે પાણીગેટ વિસ્તારમાં રહેતી બે સંતાનની યુવાન પરિણીતા પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતી હોવાથી તેના દ્વારા માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસેની મણીનગર સોસાયટીમાં રહેતા વિક્રમ રમણભાઇ ચૌહાણ નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે મોબાઇલફોનની આપલે થયા બાદ બંને વાતો કરતાં હતા અને બાદમાં બંનેએ મળવાનું નક્કી કર્યું હતું.
વિક્રમ ચૌહાણ અને પરિણીતા બંને મળ્યા બાદ ફરવા જતા હતા અને હાઇવે પરની હોટલમાં જઇ વિક્રમ દુષ્કર્મ ગુજારતો હતો. આ વખતે વિક્રમે પરિણીતાના નગ્ન ફોટા લઇે વીડિયો પણ ઉતારી લીધા હતાં. જો કે બાદમાં પરિણીતાએ વિક્રમથી દૂર જવાનું શરૃ કરતા વિક્રમે ધમકી આપી નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કરી દીધા હતાં. એટલું જ નહી પરંતુ પરિણીતાને બોલાવી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આખરે પરિણીતાએ હિંમત કરીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમ ચૌહાણની ધરપકડ કરી હતી.