પીજી મેડિકલની NEETના કટઓફમાં સૌથી વધુ 20 પર્સેન્ટાઈલનો ઘટાડો
- કોરોનાની સ્થિતિમાં દેશમાં રેસિડેન્ટ ડોક્ટરોની સંખ્યા વધારવા
- નીટના અમલ બાદ ચાર વર્ષનો સૌથી નીચો કટઓફ : ઓલ ઈન્ડિયા ક્વોટાનો મોપઅપ રાઉન્ડ, ગુજરાતમાં પણ નવો રાઉન્ડ થશે
અમદાવાદ, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
કોરોનાની સ્થિતિમાં દેશમાં ડોક્ટરોની-મેડિકલ સ્ટાફની ભારે અછત છે ત્યારે હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરોની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટના કટઓફમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો કરવામા આવ્યો છે.
પર્સેન્ટાઈલ કટઓફમાં 20 પર્સેન્ટાઈલનો ઘટાડો કરી જનરલ કેટેગરીમાં માત્ર 30 પર્સેન્ટાઈલ કરી દેવામા આવ્યા છે.જેથી નવા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક થશે.
પીજી મેડિકલ-ડેન્ટલ માટે કોમન પરીક્ષારૂપે 2017માં નીટ અમલમા આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી પડતા નીટના કટઓફમાં ઘટાડો કરાવમા આવ્યા છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પ્રવેશ માટેની પીજી નીટના કટઓફમાં જનરલ કેટેગરી માટે 50, અનામત કેટેગરી માટે 40 તથા પીડબલ્યુડી કેટેગરી માટે 45 પર્સેન્ટાઈલ રાખ્યા છે અને જે મુજબ પ્રવેશ પ્રક્રિયા પહેલા નીટના પરિણામ સાથે કટઓફ પર્સેન્ટાઈલ મુજબ કટ ઓફ સ્કોર જાહેર થાય છે .પરંતુ દર વર્ષે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા મેડિકલ-ડેન્ટલ માટેના નીટના કટઓફમાં ઘટાડો કરી પર્સન્ટાઈલ અને સ્કોર ઘટાડો કરવામા આવે છે.
જ્યારે આ વર્ષે પણ ઓલ ઈન્ડિયા ક્વોટાના બે રાઉન્ડ બાદ સૌપ્રથમ થોડા દિવસ પહેલા ડેન્ટલ પ્રવેશ માટે નીટ કટઓફ ઘટાડયો હતો અને આજે પીજી મેડિકલ માટે કટઓફ ઘટાડાની જાહેરાત કરી છે. જે મુજબ મેડિકલ માટે 20 પર્સેન્ટાઈલનો મોટો ઘટાડો કરાયો છે અને હવે જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે 30 ,અનામત માટે 20 અને પીડબલ્યુડી કેટેગરી માટે 25 પર્સેન્ટાઈલ રહેશે.
પર્સન્ટાઈલ કટઓફ ઘટયા બાદ નવા પર્સેન્ટાઈલ મુજબ લાગુ થતો રીવાઈઝ્ડ કટઓફ સ્કોર ટૂંક સમયમાં જાહેર કરાશે.હાલ કટઓફ સ્કોર 366 છે. કેન્દ્ર સરકારની પ્રવેશ સમિતિ દ્વારા કટઓફ ઘટાડા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાનો મોપઅપ-વેકેન્ટ રાઉન્ડ શરૂ કરાયો છે અને જેમાં 16મી સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ મુદ્દત અપાઈ છે.
19મીએ સીટ એલોટમેન્ટ જાહેર કરાશે અને 20થી26 જુલાઈ વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ રાઉન્ડમાં નોન રીપોર્ટિંગ બેઠકો સેન્ટ્રલ અને ડીમ્ડ યુનિ.ઓને 26 જુલાઈએ સોંપાશે અને સેન્ટ્રલ-ડિમ્ડ યુનિ.ઓએ 27થી 31 જુલાઈ સુધી વેકેન્સી રાઉન્ડ કરવાનો રહેશે.જ્યારે સ્ટેટ ક્વોટા અંતર્ગત ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા પણ કટઓફ ઘટાડા બાદ નવો રાઉન્ડ કરવામા આવશે.
વર્ષ કટઓફ ઘટાડો
વર્ષ |
કટઓફ ઘટાડો |
2017 |
7.5 પર્સેન્ટાઈલ |
2018 |
15 પર્સેન્ટાઈલ |
2019 |
06 પર્સેન્ટાઈલ |
2020 |
20 પર્સેન્ટાઈલ |