વાર્તા કથન એ એક સામાજિક સુવિધા છે જે લોકોને સાહિત્ય સાથે જોડી રાખે છે
વાર્તા કહેનારાઓએ માત્ર હાવભાવથી નહીં પણ શબ્દોના પ્રભુત્વથી લોકોને જકડી રાખવા જોઈએ
સર્જનાત્મક અભિવ્યક્તિ વિશે લેક્ચરનું આયોજન
વડોદરા, તા. 16 જાન્યુઆરી 2020, ગુરુવાર
ભાષા પહેલા વાર્તાનો ઉદ્દભવ થયો છે. કારણકે વાર્તા અવાજ અને હાવભાવથી પણ કહી શકાય છે. બે મહિનાના બાળકને પણ તેની માતા વાર્તા કહીને સુવડાવે છે. કોઈ પ્રકારની વાર્તાને કઈ રીતે કહેવી તે એક કળા અને પડકાર બંને છે. વાર્તા કથન એ એક સામાજિક સુવિધા છે, જે લોકોને સાહિત્ય સાથે જોડી રાખે છે.
સંવિત્તિ સ્ટોરી શેરિંગ અંતર્ગત નવા શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે સાહિત્યમિત્રોને સર્જનાત્મક અભિવ્યક્તિ વિશે લેક્ચર યોજાયું હતું. જેમાં નાટકના નિષ્ણાંત પી.એસ.ચારીએ કહ્યું કે, વાર્તા કથન એ વર્ણન હોવાથી જે તે ભાષા અને અવાજ સાંભળનારને ખૂબ અસર કરે છે. માટે વાર્તા કથન સમયે ભાષા અને અવાજ પર પ્રભુત્વ હોવું ખૂબ જરુરી છે. કથાકારે માત્ર હાવભાવથી જ નહીં પણ શબ્દોના પ્રભુત્વથી શ્રોતાઓને જકડી રાખવા જોઈએ. કથાઓ, ડાયરો, શૌર્ય કાવ્યો કે ભવાઈ વગેરેમાં આવતા સામાન્ય પ્રસંગને વિવિધ લહેકાઓ સાથે વર્ણવવામાં આવે છે. વાર્તાનું પારંપરિક માધ્યમ એટલે 'પુસ્તક' પણ અત્યારે આધુનિક સમયમાં વાર્તાનું માધ્યમ બદલાયને ટીવી, ઈન્ટરનેટ અને ટીકટોક થઈ ગયું છે. લેક્ચર દરમિયાન વાર્તા વર્ણનના વિવિધ ભાગો અને પધ્ધતિ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે વિવિધ વિષયો પર વર્ણન કર્યું હતું.