ચાંદખેડાના શ્યામ બંગ્લોઝમાં 31થી વધુ લોકો કોરોનાગ્રસ્ત
- માઈક્રો કન્ટેઇન્મેન્ટ બાદ શરૂ થયેલો વિવાદ
- મ્યુનિ. કહે છે ત્યાં 10થી 12 કેસ છે, ત્યાંના કોર્પોરેટર કહે છે 31થી વધુ કેસ છે
અમદાવાદ, તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
અમદાવાદમાં કોરોનાના કેસો અને મૃત્યુના આંકડા છૂપાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ મ્યુનિ.બોર્ડમાં કોંગ્રેસે કર્યા બાદ આ દિશામાં વધુને વધુ માહિતી બહાર આવી રહી છે. ચાંદખેડામાં આઈઓસી રોડ પર આવેલા શ્યામ બંગલો નામની રહેણાંકની સ્કીમને માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મુકવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ ત્યાં 10 થી 12 કેસ છે, જ્યારે ત્યાંના મહિલા કોર્પોરેટરના જણાવ્યા મુજબ ત્યાં 31થી વધુ કેસો છે.
આ સોસાયટીમાં જ રહેતાં કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું છે કે 21થી 22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ પોઝીટિવ આવ્યા હતા. આ લેબોરેટરીએ મ્યુનિ.ના હેલ્થ વિભાગને રિપોર્ટીંગ કર્યું છે કે નહીં તે સવાલ છે. કેમકે મ્યુનિ. ચોપડે 12 જ કેસ હોવાનું દેખાય છે. અથવા મ્યુનિ. ખાનગી લેબના દર્દીઓને ગણતરીમાં લેતું ના હોય તેવું બની શકે.
આ અંગે કોંગ્રેસ દ્વારા એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે કે જો ખાનગી લેબોરેટરી પ્રોટોકોલ મુજબ વિગતો માહિતી મ્યુનિ.ને ના આપતી હોય તો તેની સામે શું પગલાં લીધાં ? કે પછી મ્યુનિ. તંત્રની જ આ ગંભીર બેદરકારી છે. આ અંગે કમિશનર સમક્ષ લેખિત રજુઆત પણ કરવામાં આવનાર છે. આ અંગે કોર્પોરેટરે બંગલા નંબર સાથે વિગતો સોશ્યલ મીડિયામાં મુકી છે. સૌથી વધુ બંગલા નંબર 24માં 8 કેસ છે.