ધારા મર્ડર કેસના આરોપી સુરજ ભુવા પર સોશિયલ મિડીયામાં વ્યાપક રોષ
પોતાને ભુવો ગણાવનાર પાંખડીએ અનેક લોકોને છેતર્યા
સુરજ ભુવાને જાહેરમાં ફેરવીને આકરી સજા કરોઃ માતાજીના નામે વિધી કરીને અનેક લોકો પાસેથી વિધીના નામે લાખો રૂપિયા પડાવ્યાઃ અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબધો રાખતો હોવાની ચર્ચા
અમદાવાદ,
રવિવાર
જુનાગઢમાં રહેતી ધારા કડીવારની હત્યા કેસમાં પાંખડી ભુવા સુરજ અને તેને મદદ કરનારાઓની ધરપકડ બાદ રાજ્યભરમાંથી સુરજ ભુવા પર વિશ્વાસ કરનાર લોકો હવે રીતસરનો રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મિડીયા પર માતાજીના નામે પોસ્ટ મુકીને લોકોને ભ્રમિત કરનાર સુરજ ભુવા પર લોકોએ એવો આક્ષેપ કરી રહ્યા છે કે સુરજ સોંલકીએ માત્ર ધારા જ નહી પણ અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબધો રાખીને શારિરીક શોષણ કર્યું છે અને લોકો પાસેથી વિધી કરવાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. જેના કારણે તેના વિરૂદ્વ અન્ય ગુના નોંધાવવાની શક્યતા છે. આ સાથે જુનાગઢ અને સુરેન્દ્રનગર પોલીસે અમદાવાદ પોલીસની મદદ લઇને પુછપરછ શરૂ કરી છે.જુનાગઢમાં રહેતો સુરજ સોંલકી પરિણીત હોવા છંતાય, જુનાગઢમાં જ રહેતી ઘારા નામની યુવતી સાથે સંબધ રાખીને તેનું શારિરીક શોષણ કર્યા બાદ એક વર્ષ પહેલા તેની ચોટીલા પાસે વાટાવચ્છ ગામમા પાસે કારમાં જ તેની હત્યા કરીને લાશને સળગાવી દેવાનો પર્દાફાશ થતા હવે લાખો લોકોને ધર્મના નામે ભ્રમિત કરનાર ભુવા સુરજ સોંલકી પર સોશિયલ મિડીયામાં ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ મિડીયાના પ્લેટ ફોર્મ પર લાખો ફોલોવર્સ ધરાવતો સુરજ સોંલકી માતાજીની વિધી અને ધુણવાના વિડીયો મુકીને લોકોને છેતરતો હતો. જેના કારણે લોકો તેને બોલાવીને લાખો રૂપિયાની દક્ષિણા આપી દેતા પણ અચકાતા નહોતા. સાથેસાથે પોતે ચારિત્ર્યનો સાફ હોય તેવું સાબિત કરવા માટે તેના લગ્નની એનીવર્સરીની પોસ્ટ અને દીકરીના જન્મ દિવસની પોસ્ટ મુકતો હતો. જો કે હવે જે સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર ટ્રોલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતીએ કહ્યું હતું કે સુરજ સોલંકીનો મોબાઇલ તપાસવામાં આવે તો અનેક યુવતીઓ સાથે તેણે અનૈતિક સંબધો રાખ્યા હોવાનું બહાર આવી શકે તેમ છે.તેણે અનેક શારિરીક શોષણનો ભોગ બનાવી છે. ત્યારે જુનાગઢ પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે સુરજ ભુવા દ્વારા કોઇ સાથે નાણાંકીય છેતરપિંડી કે વિધી કરવાના નામે શારિરીક શોષણ કરાયું હોય તો પોલીસનો સંપર્ક કરીને શકે છે.જેના આધારે તેના વિરૂદ્વ કાર્યવાહી કરવામાં આવશે.