Get The App

આરટીઆઈ હેઠળ માહિતી ન આપનાર વિદ્યાનગરના ચીફ ઓફિસરને દંડ

- અરજદારને 30 દિવસમાં માહિતી ન આપતા માહિતી આયોગે રૂ. 5000 દંડ કર્યો

Updated: Sep 23rd, 2018

GS TEAM

Google News
Google News
આરટીઆઈ હેઠળ માહિતી ન આપનાર વિદ્યાનગરના ચીફ ઓફિસરને દંડ 1 - image

આણંદ,તા.૨૨ સપ્ટેમ્બર 2018, શનિવાર

આણંદ જિલ્લાની વલ્લભવિદ્યાનગર નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને માહિતી અધિકાર અધિનિયમ મુજબ સમય મર્યાદામાં માહિતી ન પુરી પાડવા બદલ દોષિત ગણી ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા રૂા.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરાવવા અથવા તો પગારમાંથી કપાત કરી ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના અરજદાર વિજયકુમાર ચંદાણી દ્વારા તા.૧૬-૬-૨૦૧૬ના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ વલ્લભવિદ્યાનગર નગરપાલિકા પાસે કેટલીક બાબતો અંગે માહિતી માંગી હતી. જે અંગે જાહેર માહિતી અધિકારીએ તા.૨૭-૩-૨૦૧૭ના રોજ પ્રત્યુત્તર આપ્યો હતો. ૩૦ દિવસમાં માહિતી આપવાનો નિયમ હોવા છતાં નવ માસ જેટલી મોડી માહિતી આપવામાં આવતા ફરિયાદીએ અપીલ કરી હતી.

જેના અનુસંધાનમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા વચગાળાનો હુકમ કરી સમય મર્યાદામાં માહિતી ન આપવા બદલ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. વચગાળાના હુકમના અનુસંધાને સુનવણીમાં તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને વિદ્યાનગરના ચીફ ઓફિસર જે.જી.ડાભીએ લેખિત સ્પષ્ટતા તા.૨૮-૮-૨૦૧૮ અને તા.૧૧-૯-૨૦૧૮ના પત્રથી આયોગને મોકલી આપ્યો હતો.

જો કે આયોગ દ્વારા પક્ષકારોની રજૂઆત અને કાગળોનું નિરીક્ષણ કરતા ફરિયાદીને સમય મર્યાદામાં માહિતી આપેલ ન હોવાનું જણાતા આયોગ દ્વારા તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર વલ્લભવિદ્યાનગરને માહિતી અધિકાર અધિનિયમની કલમ ૭(૧) મુજબ સમયમર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ દોષિત ગણીને રૂા.૫૦૦૦નો દંડ કરવાનો હુકમ કરાયો છે. આ દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી અથવા તો પગારમાંથી કપાત કરી ભરપાઈ કરવાની રહેશે.

Tags :