વડોદરા, તા. 10 ઓગસ્ટ 2020, સોમવાર
પાવરી એ આદિવાસી લોકવાદ્ય છે. જેની સાથે આદિવાસીઓેનું ધાર્મિક મહત્વ જોડાયેલું છે. દર વર્ષે શ્રાવણી કાર્તિક પૂર્ણિમાના દિવસે, લગ્ન પ્રસંગે તેમજ ખાસ કરીને દેવને રીઝવવા માટે આ વાદ્ય વગાડવામાં આવે છે. અગાઉ પાવરી બનાવવા માટે ગાય કે બળદના શીંગડાનો ઉપયોગ થતો હતો. જો કે હવે તાડપત્રી ઉપરાંત વાંસળી અને જંગલમાં ઉગતી મોટી પાકેલી દૂધી કે તૂરિયાનો ઉપયોગ થાય છે, એમ ડાંગના પાવરી વાદ્ય બનાવનાર અને વગાડનાર કલાકાર ગણેશભાઈનું કહેવું છે.
કલાકારે કહ્યું કે તા.૯ ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે અમે ૧૮ પાવરીના કલાકારોએ ભેગા મળીને પાવરી વાદ્ય વગાડયું હતું. આ વાદ્ય ત્રણથી ચાર ફૂટનું હોય છે જેમાં વિવિધ રંગ કરીને મોરના પીંછાથી શણગારવામાં આવે છે. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં પાવરી વાદ્ય માત્ર લગ્ન સમયે જ વગાડવામાં આવે છે.
ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ પર અભ્યાસ કરનારા શહેરના દુર્ગેશ ઉપાધ્યાયે કહ્યું કે, નવી પેઢી શહેર તરફ વળી હોવાથી આદિવાસી સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં પાવરી વાદ્ય વગાડનારા કલાકારો ઓછા થઈ ગયા છે, કારણકે હાલની પેઢીને આ વાદ્ય વગાડવામાં રસ જ નથી. આહવામાં આદિવાસી સંસ્કૃતિ અને તેના વાદ્યોની ઝાંખી કરાવતું એક મ્યુઝિયમ આવેલું છે. જેમાં જુદા-જુદા સમયમાં કેવા પ્રકારની પાવરીઓ બની તેનેે મૂકવામાં આવેલી છે, જે ખૂબ જ દુર્લભ છે. ઢોલકની થાપ, શરણાઈ અને પાવરીના સૂર સાથે આદિવાસી યુવક-યુવતીઓ પાવરી નૃત્ય કરે છે. જે ડાંગના પ્રસિધ્ધ પિરામિડ નૃત્ય તરીકે ઓળખાય છે.
આદિવાસીમાં મૃત્યુ થાય ત્યારે દંડુકી વગાડાય છે
આદિવાસીઓ ચર્મવાદ્યોમાં સૌથી મોટા રામઢોલ, માદળ, ઢોલકી, દંકુડી અને નગારાનો સમાવેશ થાય છે. અગાઉના સમયમાં જ્યારે કોઈ આદિવાસીનું મૃત્યુ થતું હતું ત્યારે દંડુકી (નાની ઢોલકી) ધીમા સ્વરે વગાડવામાં આવતી હતી. દંકુડી માટીના વાસણ પર ચામડું બાંધીને બનાવવામાં આવે છે.જ્યારે મૃદંગ જેવા દેખાતા માદળ છોટા ઉદેપુર, નસવાડી અને સંખેડામાં કોઈપણ વ્યક્તિના મૃત્યુના બારમાની રાત્રે વગાડવાની પરંપરા છે. જો કે આ પરંપરા હવે ક્યાંક જ જોવા મળે છે.


