વડોદરામાં ભાજપના કાર્યકરો સચિન ઠક્કરની હત્યાના મુખ્ય આરોપી પાર્થ પરીખ વધુ ત્રણ દિવસ રિમાન્ડ પર
- પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ પાર્થ અને અન્ય બે મળી ત્રણ આરોપીઓના મોબાઈલ શોધી શકી નથી
વડોદરા,તા.2 ઓગસ્ટ 2023,બુધવાર
પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરા ભાજપાના 40 વર્ષના યુવા કાર્યકર સચિન ઠક્કરની હત્યાના ત્રણ આરોપીઓ પાર્થ પરીખ સાહિલ અજમેરી અને વિકાસ લુહાણાના આજે પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સાહિલ અજમેરી અને વિકાસ લુહાણાને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે મુખ્ય આરોપી પાર્થ પરીખ ના સાત દિવસના વધુ રિમાન્ડની માંગણી પોલીસ એ કરી હતી જેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સચિન ઠક્કરની પત્ની રીમા ઠક્કરના વકીલ પ્રવીણ ઠક્કરે કહ્યું હતું કે મુખ્ય આરોપી પાર્થ પરીખ પોલીસને પણ ગુમરાહ કરી રહ્યો છે ગુનાની ગંભીરતા જોઈને અને જે રીતે ક્રૂડતા પૂર્વક મર્ડર કરવામાં આવ્યું છે તે જોઈને તથા કેટલાક મહત્વના પાસાઓની તપાસ બાકી હોવાથી અમારા તરફથી સાત દિવસના વધુ રિમાન્ડ માગવામાં આવ્યા હતા. રિમાન્ડ માંગવાનો કારણો એ હતા કે પાર્થ પરીખ અને અન્ય બે આરોપીઓ ના મોબાઇલ હજુ કબજે થયા નથી બંને આરોપીઓનું કહેવું છે કે તેના મોબાઈલ પાર્થ પરીખને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે પાર્થ પરીખ પહેલા એવું કહ્યું કે દાહોદ બાજુ ખાડામાં મોબાઇલને દાટી દેવામાં આવ્યા છે પાર્થે બતાવેલી જગ્યા ઉપર તપાસ કરતા માહિતી ખોટી સાબિત થઈ હતી ત્યારે ફરીથી પાર્થે નિવેદન બદલ્યું હતું અને કહ્યું હતું કે મોબાઈલ બીજા માણસોને આપી દેવામાં આવ્યા છે પરંતુ આ મોબાઇલ કોને આપવામાં આવ્યા છે એ હજુ પકડાયું નથી આ ઉપરાંત હત્યા પહેલા ગુનાહિત કાવતરુ લક્ષ્મીપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. તો એ કયા સ્થળે કરવામાં આવ્યું હતું અને આમાં કોણ કોણ સંડાવાયેલું છે તેની પણ તપાસ કરવાની બાકી છે.