વડોદરામાં પોલીસની બેદરકારીને કારણે ભાજપ કાર્યકરની હત્યા,આરોપી પાર્થ પરીખ ઉજ્જૈનથી પકડાયો
1990ના દાયકાના બહુચર્ચિત બાબુલ પરીખના નબીરા પાર્થ અને તેના બંને સાગરીતો કારમાં ફરાર થયા હતા
વડોદરાઃ વડોદરાના દીવાળીપુરા વિસ્તારના ભાજપના સંનિષ્ઠ કાર્યકર સચીન ઠક્કરની બે દિવસ પહેલાં ખૂની હુમલો થતાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.ગોત્રી પોલીસની બેદરકારીને કારણે કાર્યકરની હત્યા થતાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
ગઇ તા.9 મીએ કાર્યકર સચીન ઠક્કરની માતાને રેસકોર્સ હરિભક્તિ નજીકની લેબોરેટરીમાં ચેકઅપ માટે લઇ ગયા ત્યારે પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે તકરાર થઇ હતી.તેણે અહીં પાર્કિંગ નહિં કરવા બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી અને ધમકી આપી પ્રિતેશનો મોબાઇલ પણ ફેંકી દીધો હતો.
પંદર દિવસ પહેલાંના બનાવ અંગે પ્રિતેશે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.આ અરજીની તપાસ કરતા કોન્સ્ટેબલ પ્રવિણ ધૂળાભાઇએ ગુનો નોંધ્યો નહતો અને કોઇ તપાસ પણ કરી નહતી.જો તેમણે બાબુલ પરીખના નબીરાને પકડયો હોત તો કદાચ હત્યાનો બનાવ અટકી શક્યો હોત.જેથી પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે.જ્યારે,મોટા અધિકારીઓએ શું મોનિટરિંગ કર્યું તે મુદ્દે કોઇ તપાસ થઇ નથી.જેથી મોટા અધિકારીઓને ક્લિનચીટ મળી ગઇ હોય તેમ લાગે છે.જો તે દિવસે પગલાં લીધા હોત તો પાર્થ અને તેના સાગરીતોની ભાજપના કાર્યકર સચીન પર ફરી હુમલો કરવાની હિંમત ના થઇ હોત.
ખૂની હુમલો કર્યા બાદ ભાગેલા પાર્થ પરીખને ઉજ્જૈનથી દબોચી લીધો
ભાજપના કાર્યકર પર હુમલો કર્યા બાદ પાર્થ પરીખ તેના સાગરીતો સાથે ઉજ્જૈન પહોંચી ગયો હતો.જેથી ગોત્રી પોલીસે તેની શોધખોળ કરી ઉજ્જૈન ખાતેથી તેને દબોચી લીધો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે,પાર્થ કન્સ્ટ્રક્શનને લગતું કામકાજ કરે છે.જ્યારે, વાસિક અજમેરી ડ્રાઇવિંગનું કામ કરે છે અને વિકાસ લોહાણા અગાઉ એસટી વિભાગના કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો.
પાર્થ સામે અગાઉ પણ ખૂની હુમલાનો કેસ થયો હતો
પાર્થ પરીખ સામે અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં મારામારી કરી ખૂની હુમલો કરવાનો એક ગુનો નોંધાયો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.ગોત્રીના પીઆઇએ કહ્યું હતું કે,આ અંગે લક્ષ્મીપુરા પોલીસ પાસે વધુ માહિતી માંગવામાં આવી છે.