Get The App

કિડનેપિંગની થીમ પર સ્ટોરી બનાવવાના નામે દક્ષ પટેલની હત્યા કરનાર પાર્થ જેલભેગો,ફાંસીની માંગ

Updated: Oct 10th, 2022

GS TEAM

Google News
Google News
કિડનેપિંગની થીમ પર સ્ટોરી બનાવવાના નામે  દક્ષ પટેલની હત્યા કરનાર પાર્થ  જેલભેગો,ફાંસીની માંગ 1 - image
dax patel
વડોદરાઃ સયાજીગંજમાં અલંકાર ટાવરના બેઝમેન્ટમાં ૧૯ વર્ષીય મિત્ર દક્ષ પટેલને લઇ જઇ ઘાતકી રીતે હત્યા કરનારા પાર્થ કોઠારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

માંજલપુરની શિવમ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક હસમુખભાઇ પટેલનો એસ વાય બીકોમમાં ભણતો પુત્ર દક્ષ પટેલ તા.૩ જી એ રાતે ગરબા જોવા માટે ગયો ત્યારબાદ બીજા દિવસે સયાજીગંજના અલંકાર ટાવરના  બેઝમેન્ટમાંથી તેની હાથપગ  બાંધેલી હાલતમાં લાશ મળી હતી.દક્ષના છાતી અને પેટમાં ઘા ઝીંકાતા આંતરડા બહાર નીકળી ગયા હતા.

એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા અને સયાજીગંજના પીઆઇ આર જી જાડેજાએ સીસીટીવી ફૂટેજ તેમજ મરનારના મિત્રો પાસે વિગતો મેળવી ગણતરીના કલાકોમાં જ દક્ષની હત્યા કરનાર તેના નિકટના મિત્ર પાર્થ કમલ ભાઇ કોઠારી (અંબિકાશ્રય ફ્લેટ્સ,જય શંકર સોસાયટી પાછળ,સાંઇ ચોકડી પાછળ, માંજલપુર)ને ઝડપી પાડયો હતો.

દક્ષની સાથે અભ્યાસ કરતા પાર્થ કોઠારીએ દક્ષને કારણે તેનો પ્રેમ ઝુંટવાઇ જશે તેમ માનીને તેની સાથે કપટ કરીને હત્યા કરી હતી.કિડનેપિંગની થીમ પર સ્ટોરી બનાવવા માટે શૂટિંગ કરવાના નામે પાર્થ દક્ષને બેઝમેન્ટમાં લઇ ગયો હતો અને તેની હત્યા કરી હતી.ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે મહત્વના પુરાવા ભેગા કરી ઘટનાનું  રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

પાર્થ કોઠારીએ મોબાઇલ પર સર્ચ કર્યા બાદ હત્યાનો પ્લાન ઘડયો હોવાની તેમજ ત્યારબાદ પણ તેણે પોલીસથી બચવા માટે સર્ચ કર્યું હોવાની વિગતોને પગલે પોલીસે તેનો મોબાઇલ કબજે લઇ એફએસએલમાં મોકલવા તજવીજ કરી છે.આજે તેના રિમાન્ડ પુરા થતાં કોર્ટે હત્યારાને જ્યુ.કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

દક્ષનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને સ્પેશિયલ પ્રોસિક્યુટર નીમવા માંગણી

પાર્થને ફાંસી થવી જોઇએ, પરિવારને સાંત્વન આપવા લોકો બેસણામાં હાજર રહ્યા

દક્ષ  પટેલને ઝડપથી ન્યાય મળે તેવી તેના પરિવારજનો અને પરિચિતોએ લાગણી વ્યક્ત કરી છે.

દક્ષ પટેલની હત્યાના બનાવ બાદ આજે તેનું  બેસણું યોજાયું હતું.જેમાં પરિવારને સાંત્વન આપવા માટે સબંધીઓ,પરિચિતો, માંજલપુરના પૂર્વ કોર્પોરેટર તેમજ પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા.

દક્ષના પરિવારજનો માટે લાગણી ધરાવતા લોકોએ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે અને સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિયુક્તિ કરવામાં આવે તેવી સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી.પરિવારે કહ્યું હતું કે,પાર્થને ફાંસીની સજા થવી જોઇએ.સરકારે આ કેસ ઝડપથી ચલાવી ન્યાય આપવો જોઇએ.જેથી બીજો કોઇ હત્યારો આવું કૃત્ય કરતો અટકે.