લેકફ્રન્ટનાં ગેટ પાસે પાંચ મિનિટ ટુ- વ્હીલ પાર્ક કરવાનાં રૂ.૪૦, ફોર- વ્હીલના રૂ.૧૦૦ની વસુલી
કાંકરિયા પાસે પાર્કિંગમાં ઉઘાડી લૂંટ કરવા કોન્ટ્રાકટરને તંત્રનો પરવાનો
શોપિંગ મોલ, સિનેમા ઘરો પાસે ફ્રી પાર્કિંગના સૂચનો, જ્યારે કાંકરિયા આવતા પ્રવાસીઓના ખિસ્સા ખંખેરવાની તંત્રની કૂટનીતિ
અમદાવાદ, બુધવાર, તા. 1 ફેબ્રુઆરી,2023
રિવરફ્રન્ટ બન્યા બાદ પણ કાંકરિયા
તળાવનું આગવું મહત્વ છે. દરરોજ બહારગામથી આવતા કેટલાય સહેલાણીઓ કાંકરિયાની મુલાકાત
લે છે. તેવામાં એક બાજુ તંત્ર દ્વારા શોપિંગ મોલ, સિનેમા ઘર વગેરે જેવી
જગ્યાએ ફ્રી પાર્કિંગ આપવા સૂચનો આપવામાં આવે છે. ત્યારે બીજી બાજુ કાંકરિયા
લેકફ્રન્ટના ગેટ પાસે આવેલ પ્લોટમાં મ્યુનિસિપલ દ્વારા પાર્કિંગ માટે વાહનચાલકો
પાસેથી તોતિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ જોઈને તંત્રની પ્રવાસીઓના ખિસ્સા
ખંખેરવાની કૂટનીતિ છતી થઈ ગઈ હોય તેવા આક્ષેપો લોકોમાંથી ઉઠયાં છે.
ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં યોજાયેલ
કાંકરિયા કાર્નિવલ દરમિયાન સહેલાણીઓને મફત પાર્કિંગ સુવિધા આપવામાં આવી હતી. પરંતુ, કાર્નિવલની
ઉજવણી પૂરી થયા બાદ તંત્રએ ફરીથી સહેલાણીઓ પાસેથી ભારે પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનું
શરૂ કરી દીધું છે. કાંકરિયાના ગેટ નં. ૩ પાસે ખાલી પ્લોટમાં તંત્ર દ્વારા
પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. જ્યાં માત્ર પાંચ મિનિટ માટે ટુ વ્હીલર પાર્ક
કરવા માટે રૂ. ૪૦ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. તેમજ ફક્ત પાંચ મિનિટ ફોર
વ્હીલર પાર્ક કરવા માટે પ્રવાસીઓ પાસેથી ૧૦૦ રૂ. ઉઘરાવવામાં આવે છે. આટલી મોંઘી
પાર્કિંગ ફીના લીધે કેટલાય સહેલાણીઓ પાર્કિંગ પ્લોટની આસપાસ રસ્તા પર જ વાહનો
પાર્ક કરી દે છે. ઉપરાંત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોવાના કોઈ સાઈન બોર્ડ રસ્તા પર
મૂકવામાં આવ્યા નથી. જેથી લોકોને જાણ ન હોવાથી તેઓ પ્રવેશ દ્વારથી દૂર રસ્તા પર
જ્યાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરવા મજબૂર બને છે. પરિણામે, રસ્તા પર દબાણ થતા ટ્રાફિકજામ તેમજ અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.
પાર્કિંગ ચાર્જમાં ઘટાડો કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. જેથી લોકો રસ્તા પર
વાહનો પાર્ક કરતા અટકે અને કોઈ દુર્ઘટના ઘટે નહીં.