રોઝરી સ્કૂલના વાલીઓનો ઓનલાઈન પરીક્ષા લેવા ડીઈઓ કચેરીમાં હોબાળો
વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી રોઝરી સ્કૂલના વાલીઓેએ ઓનલાઈન પરીક્ષા લેવાની માંગણી સાથે આજે ડીઈઓ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.વાલીઓએ ડીઈઓ કચેરીની બહાર ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
વાલીઓનુ કહેવુ હતુ કે, કોરોનાનુ સંક્રમણ યથાવત છે ત્યારે સ્કૂલ દ્વારા ૧૫ માર્ચથી પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ છે.સ્કૂલ દ્વારા પરીક્ષાનુ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે અને તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવીને પરીક્ષા આપવા માટે સૂચના આપવામાં આવી છે.
વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલના પ્રિન્સિપાલને ઓનલાઈન પરીક્ષા લેવા માટે રજૂઆત કરી હતી પણ સ્કૂલ સત્તાધીશો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો અને તેના કારણે આજે ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા આવવાની ફરજ પડી હતી.
વાલીઓએ ડીઈઓ કચેરીમાં ક્હ્યુ હતુ કે, એક તરફ હવે સ્કૂલમાં પણ કોરોનાનુ સંક્રમણ પહોંચી ગયુ છે ત્યારે અમે અમારા બાળકોને સ્કૂલમાં પરીક્ષા આપવા માટે મોકલવા તૈયાર નથી.સ્કૂલ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે.જો સ્કૂલ ઓનલાઈન પરીક્ષા નહીં લે તો અમે અમારા બાળકોને સ્કૂલમાં પરીક્ષા આપવા માટે નહીં મોકલીએ.
દરમિયાન ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર કિશોર પરમારનુ કહેવુ હતુ કે, પરીક્ષા લેવાના સરકારના આદેશ અંગે ગેરસમજ ઉભી થવાથી આ સ્થિતિ સર્જાઈ છે..સરકારની સૂચના પ્રમાણે પાંચમા ધોરણથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શિક્ષણકાર્ય શરુ કરાયુ છે.પરીક્ષા પણ આ જ વિદ્યાર્થીઓની લેવાશે અને તે પણ સ્કૂલમાં પોતાના સંતાનોને મોકલવા માટે જે વાલીઓએ સંમતિ આપી છે તેવા વિદ્યાર્થીઓની જ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવશે અને આ માટેની સૂચના સ્કૂલને આપવામાં આવી છે.