મહારાણી સ્કૂલે અંગ્રેજી માધ્યમની ફીમાં ૧૦ ટકાનો વધારો કરતા વિરોધ
વડોદરા,તા.2.સપ્ટેમ્બર,બુધવાર.2020
શહેરના સૂરસાગર પાસે આવેલી મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલના અંગ્રેજી માધ્યમની ફીમાં સંચાલકોએ કરેલા ૧૦ ટકાના વધારાના પગલે વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
આજે સ્કૂલના વાલીઓનુ એક જૂથ ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યુ હતુ.વાલીઓએ સ્કૂલને ફી વધારો પાછો ખેંચવા માટે ફરજ પાડવામાં આવે તેવી રજૂઆત ડીઈઓ કચેરીના અધિકારીઓ સમક્ષ કરી હતી.
વાલીઓએ કહ્યુ હતુ કે, કોરોનાના કાળમાં જ સ્કૂલ સંચાલકોએ ફીમાં ૧૦ ટકાનો વધારો ઝીંક્યો છે જે યોગ્ય નથી.બીજી તરફ સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે અને જે વિદ્યાર્થીઓ આર્થિક તંગીના કારણે ફી ભરવા માટે અસમર્થ છ,ે તેમની પાસે ફી માટે જ્યારે ઓનલાઈન ક્લાસ લેવામાં આવતા હોય ત્યારે જ ઉઘરાણી કરવામાં આવી રહી છે.જે યોગ્ય નથી.વાલીઓને સ્કૂલ સંચાલકો બીજા કોઈ સમયે પણ ફી માટે વાત કરી શકે છે.વાલીઓનુ કહેવુ હતુ કે, એક સપ્તાહ પહેલા પણ અમે ફી વધારા સામે વિરોધ કર્યો હતો.જોકે સ્કૂલ સંચાલકો ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે તૈયાર નથી.જેના કારણે ના છૂટકે અમારે ડીઈઓ કચેરી આવીને આ બાબતે ફરિયાદ કરવી પડી છે.