Get The App

પેરામેડિકલ કોર્સીસ માટે ૧૫મીથી ફરીવાર રજિસ્ટ્રેશન

નીટનું પરિણામ આવી જતા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ફરીવાર રજિસ્ટ્રેશન શરૃ કરાયુ

Updated: Nov 11th, 2021

GS TEAM


Google News
Google News
પેરામેડિકલ કોર્સીસ માટે ૧૫મીથી ફરીવાર રજિસ્ટ્રેશન 1 - image

અમદાવાદ

ધો.૧૨ પછીના બીએસસી નર્સિંગ, ફીઝિયોથેરાપી સહિતના આઠ પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ પૂર્ણ કરી દેવાઈ હતી. પરંતુ નીટનું પરિણામ બાકી હોવાથી આગળની પ્રવેશ પ્રક્રિયા કરવામા આવી ન હતી. તાજેતરમાં નીટનું પરિણામ આવી જતા જે વિદ્યાર્થીઓને ઓછા માર્કસ હોય અને પેરામેડિકલમાં જવા માંગતો હોય તો તેઓ માટે ફરીવાર રજિસ્ટ્રેશન શરૃ કરવામા આવ્યુ છે.

ધો.૧૨ સાયન્સ પછીના બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ,ઓક્ઝિલરી નર્સિંગ, ફીઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ અને નેચરોપેથી સહિતના આઠ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે સરકારની અલાયદી પ્રવેશ સમિતિ છે.આ કોર્સમાં ધો.૧૨ સાયન્સના બોર્ડ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ થાય છે. જેથી પ્રવેશ સમિતિ દ્વારા ૧૩મી સપ્ટેમ્બરથી ૨૮મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. પરંતુ હજુ સુધી મેરિટ,ચોઈસ ફિલિંગ અને બેઠક ફાળવણીની પ્રક્રિયા કરવામા આવી ન હતી.

કારણકે મેડિકલ પ્રવેશ માટેની નીટનું પરિણામ બાકી હતુ. જે વિદ્યાર્થીઓને નીટમાં ઓછા માર્કસ હોય અથવા ક્વોલિફાઈ થયા ન હોય અને પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ લેવો હોય તો તેઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન ખોલવુ પડે તેમ હોઈ પેરામેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા  ફરીવાર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામા આવી છે.જે મુજબ ૧૫મીથી ૧૮મી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે. આગળનો વિગતવાર પ્રવેશ કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.અગાઉ ૪૭ હજારથી વધુનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યુ છે અને જે આ વર્ષે રેકોર્ડબ્રેક છે.હવે ફરીથી રજિસ્ટ્રેશન શરૃ કરાતા ૫૦ હજારે પહોંચે તેવી શક્યતા છે.

       

 

Tags :