હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટને કારણે પંડયા બ્રિજ અને ગોરવા - મધુ નગર બ્રિજ બંધ રહેશે
રાવપુરા જી.પી.ઓ. રોડ પર ડ્રેનેજની કામગીરીને અનુલક્ષીને નો એન્ટ્રી
વડોદરા,હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટના કારણે ગોરવા - મધુનગર બ્રિજ અને પંડયા બ્રિજ પર નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ - મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે કામગીરી પંડયા બ્રિજ પર તા.૨૬ ફેબુ્રઆરીથી તા.૭ મી માર્ચ સુધી તથા ગોરવા મધુનગર બ્રિજ પર તા.૧૨ મી એપ્રિલથી તા.૧૯ મી એપ્રિલ સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન પંડયા બ્રિજ તથો ગોરવા - મધુનગર બ્રિજ પરથી અવર - જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે બંને બ્રિજ બંધ કરવામાં આવશે. આ બંને બ્રિજ તરફ આવતા વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
જ્યારે રાવપુરા જી.પી.ઓ. થઇ ગંગા ક્લિનિક સુધી નવી ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવનાર છે. તેના કારણે જો આ રોડ પર વાહનોની અવર - જવર થાય તો અકસ્માતની સંભાવના રહેતી હોવાથી ફેબુ્રઆરી મહીનાના બીજા અઠવાડિયાથી મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આ રોડ તરફ અવર - જવર કરતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.