અમદાવાદ, મંગળવાર
પદ્મશ્રીથી સન્માનિત ખ્યાતનામ શિલ્પકાર કાંતિભાઇ પટેલનું મંગળવારે સવારે અમદાવાદ ખાતે અવસાન થયું છે, તેઓ ૯૮ વર્ષના હતા. માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં શિલ્પકાર તરીકે ખ્યાતિ હાંસલ કરનારા કાંતિભાઇ પટેલને ૨૦૦૪ના વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજથી ત્રણ મહિના અગાઉ જ કાંતિભાઇ પટેલે અમદાવાદમાં આવેલા પોતાના સ્ટુડિયોની ૯૨૭૦ ચોરસવાર જમીન ભારત સરકારની લલિતકલા અકાદમીને ભેટ આપી હતી. આ જમીનની બજાર કિંમત રૃ. ૬૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. અમદાવાદના ઇન્કમ ટેક્સ રોડ પર મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા કાંતિભાઇ પટેલ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સમગ્ર વિશ્વમાં મૂકાયેલી ગાંધીજી પ્રતિમાઓમાં શિરમોર ગણાય છે.

