પદ્મ વિભૂષણ સોનલ માનસિંહ ભરતનાટયમ નૃત્ય દ્વારા કૃષ્ણ કથા પ્રસ્તુત કરશે
ત્રિદિવસીય નૃત્યપર્વનું આયોજન
એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે
વડોદરા, તા.6 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
અંજલિ મેમોરિયલ કમિટિ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ત્રિદિવસીય નૃત્ય પર્વનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.૮થી ૧૦ ફેબુ્ર સુધી આયોજિત નૃત્યપર્વના પ્રથમ દિવસે પદ્મવિભૂષણ સોનલ માનસિંહ સાંજે ૮ વાગ્યે મેડિકલ કોલેજના મેડિકલ હોલ ખાતે ભરતનાટયમ નૃત્ય દ્વારા કૃષ્ણ કથા પ્રસ્તુત કરશે.
અંજલિ મેમોરિયલ કમિટિના સભ્ય અને એમ.એસ.યુનિ.ના નૃત્ય વિભાગના ભૂતપૂર્વ પ્રો.પારુલ શાહે કહ્યું કે,કળાને જીવતી રાખવા તેમજ શહેરના કલાકારોને ખ્યાતનામ વ્યક્તિઓને મળવાની તક મળે તે હેતુથી દર વર્ષે નૃત્યપર્વનું આયોજન કરાય છે.આધુનિક સમયમાં પરંપરામાં પરિવર્તન જરુરી છે પરંતુ મૂળ પરંપરાને ક્યારેય ભૂલવી ન જોઈએ.
ઓડિસી અને ભરતનાટયમના ૭૭ વર્ષીય નૃત્યાંગના સોનલ માનસિંહ વિશે પ્રો.પારુલે કહ્યું કે, તેઓને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ હતો પરંતુ એ પરિવાર તેમની વિરુધ્ધ હોવાથી નૃત્ય શીખવા ૧૧ વર્ષની ઉંમરે સોનલ માનસિંહે ઘર છોડી દીધું હતું. પદ્મ વિભૂષણ સોનલ માનસિંહ ત્રણ દિવસ શહેરમાં રોકવાના છે જેમાં તા.૯ના રોજ સર્જન આર્ટ ગેલેરી સ્થિત ગીત ગોવિંદમ પર અને તા.૧૦ના રોજ એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ખાતે કલાની પ્રેરણાથી નેતૃત્વ વિશે લેક્ચર આપશે. આ ત્રણેય કાર્યક્રમ નિઃશુલ્ક લોકો માણી શકશે.