વડોદરાના નવલખી મેદાન પર ઓક્સિજન ફિલિંગ સ્ટેશનનો પ્રારંભ
વડોદરાઃ કોરોનાના બેકાબૂ સંક્રમણના કારણે વડોદરાની હોસ્પિટલોની રોજની ઓક્સિજન ડિમાન્ડમાં અનેક ગણો વધારો થયો છે ત્યારે હવે હોસ્પિટલોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે વડોદરાના વહિવટીતંત્ર દ્વારા નવલખી કમ્પાઉન્ડમાં ઓક્સિજન ફિલિંગ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યુ છે.જેના થકી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પડાશે.
એક સપ્તાહ પહેલા આ વિચાર તંત્રને આવ્યો હતો અને આજથી આ ફિલિંગ સ્ટેશન કાર્યરત પણ કરવામાં આવ્યુ છે.કારણકે વડોદરામાં મોટાભાગનો ઓક્સિજન જથ્થો વડોદરાના છેવાડે આવેલી જીઆઈડીસીમાંથી આવતો હોવાથી ઓક્સિજનની હેરફેરમાં સમય લાગી જાય છે.આ ફિલિંગ સ્ટેશનના કારણે ઓક્સિજન હેરફેરમાં સમયનો બચાવ થશે.
આજે તેનુ વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.જોકે ફિલિંગ ટેન્ક તૈયાર થઈ ગઈ હોવાથી ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી એ પહેલા જ શરુ કરી દેવાઈ હતી.આ ફિલિંગ સ્ટેશન પર તકેદારીના ભાગરુપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો છે.