વડોદરા નજીકના વઢવાણા તળાવમાં પહેલી વખત જળ બિલાડીએ દેખા દીધી
વડોદરાઃ શિયાળામાં આવતા માઈગ્રેટરી બર્ડ માટે વિખ્યાત બની ચુકેલા વડોદરા નજીકના ડભોઈ પાસેના વઢવાણા તળાવમાં પહેલી વખત જળ બિલાડીએ દેખા દીધી છે.
ગુજરાતમાં જળ બિલાડીનુ અસ્તિત્વ છે અને તેના પૂરાવા પણ વારંવાર મળી ચુકયા છે.જોકે ડભોઈ પાસેના વઢવાણા તળાવમાં તેની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયુ છે.વડોદરાના બે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો અજય પરમાર અને અંકિત શાહ દર વર્ષે પક્ષીઓના ફોટોગ્રાફ ખેંચવા માટે શિયાળાના આગમન સાથે વઢવાણા તળાવની મુલાકાત લેતા હોય છે.
ગયા સપ્તાહે તેઓ વઢવાણા તળાવ ખાતે ગયા હતા ત્યારે શિયાળાના હુંફાળા તડકામાં જળ બિલાડી તળાવના કિનારા પર આરામ ફરમાવતી દેખાઈ હતી.અજય પરમારનુ કહેવુ છે કે, હું છેલ્લા બે દાયકાથી વઢવાણા તળાવની મુલાકાત લેતો હોઉં છું પણ મને ક્યારેય જળ બિલાડી જોવા નથી મળી.આ પહેલી ઘટના છે.
બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના પ્રોફેસર રણજીત દેવકરે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ગુજરાતમાં મહિસાગરમાં કડાણા ડેમ આસપાસમાં તેમજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમની આસપાસના પાણીમાં તથા જંબુસર વિસ્તારમાં માછલીઓ ઉછેરવાના તળાવમાં જળ બિલાડીઓએ દેખા દીધી હોવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા છે.જોકે ગુજરાતમાં તેના અસ્તિત્વના સંખ્યાબંધ પૂરાવા હોવા છતા હજી સુધી તેની પધ્ધતિસરની કોઈ વસતી ગણતરી કરવામાં આવી નથી.નર્મદા નદીનુ પાણી કેનાલ થકી વઢવાણા તળાવમાં ઠલવાતુ હોય છે અને કેનાલ થકી વઢવાણામાં આ જળ બિલાડી આવી ચઢી હોય તેવુ અનુમાન થઈ શકે.
જળ બિલાડી મીઠા પાણીની માછલીઓ પર નભે છે
પાણીની અંદર ડુબકી મારીને માછલીઓનો શિકાર કરે છે
જળ બિલાડી અંગે એમ.એસ.યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના પ્રોફેસર દેવકરનુ કહેવુ છે કે, જળ બિલાડી પ્રાણી શાસ્ત્રની ભાષામાં ઓટર તરીકે ઓળખાય છે.તે એક સસ્તન પ્રાણી છે.સામાન્ય રીતે તે રાત્રે જ દેખા દે છે.દિવસ દરમિયાન અને ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતુ હોય છે.તેનો મુખ્ય ખોરાક માછલી છે.જેના પગલે તે જળાશયોની અંદર અને આસપાસ વસવાટ કરે છે.પાણીની અંદર ઉંડે સુધી ડુબકી મારીને અને માછલીનો પીછો કરીને પણ તે તેનો શિકાર કરી શકે છે.ગુજરાતમાં જોવા મળતી જળ બિલાડીઓ મીઠા પાણીની માછલીઓ પર નભે છે.તેના કારણે તેણે મહિસાગર અને નર્મદા નદીને પોતાનુ રહેઠાણ બનાવ્યુ હોવાનુ મનાય છે.ગુજરાતમાં ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં જળ બિલાડીના બ્રિડિંગ માટે પણ પ્રયત્નો થયા હતા.જોકે એ પછી વાત આગળ વધી નથી.રાજ્યમાં અન્ય પ્રાણીઓની જેમ જળ બિલાડીની વસતી ગણતરી કે તેનો પધ્ધતિસરનો સર્વે કરવાની જરુર છે.