મિલકત અશાંત વિસ્તારની 500 મી. માં ન હોવાનું પ્રમાણપત્ર મેળવવા આદેશ
- અશાંત વિસ્તારની મિલકતો અંગે સરકારનો નવો પરિપત્ર
- મામલતદાર-સિટી સર્વે પાસેથી પ્રમાણપત્ર મેળવવા સૂચના 500 મીટરની હદ નક્કી કરવાના અસ્પષ્ટ માપદંડોથી મુશ્કેલી
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 8 જાન્યુઆરી, 2020, શુક્રવાર
અશાંત ધારા હેઠળ મૂકવામાં આવેલી વિસ્તારના 500 મીટરની મિલકતની ખરીદી કે વેચાણ કરવા માટે તે 500 મીટરની હદમાં આવેલી છે કે નહિ તે નક્કી કરવામાં થતો વિલંબ દૂર કરવા માટે ગુજરાત સરકારે એક પરિપત્ર વેચાણ હેઠળની મિલકત 500 મીટરની હદમાં છ ેકે નહિ તે અંગેનું પ્રમાણપત્ર સંબંધિત તાલુકાના મામલતદારો પાસેથી અથવા તો સિટી સરવેના વિસ્તારમાં આવતી મિલકતો માટે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટ પાસેથી મિલકત 500 મીટરની હદમાં છે કે નહિ તે પ્રસ્થાપિત કરી આપતું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
માત્ર અમદાવાદના જ અશાંત વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાનપુર, દરિયાપુર, આશ્રમ રોડ ટીપી નંબર 3 ઓબ્લિક5, નવરંગુરાની મુસ્લિમ સોસાયટીઓ, ઓઢવ સબરજિસ્ટ્રારની કચેરીના વિસ્તારો, પાલડી, વેજલપુર, મકરબા, સરખેજ, કોઠાવાલા ફ્લેટની પાછળના જૈન મરચન્ટ સોસાયટી સહિતના વિસ્તારો અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો છે. તદુપરાંત રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવાની અરજી કરવાની મુદત 31 માર્ચ, 2021 સુધી લંબાવવવામાં આવી છે.
ગુજરાત સરકારે અશાંતધારા અધિનિયમ 17-2020ની કલમ 2(એ)માં અશાંતધારાની વ્ય્ખાયામાં સુધારો કરીને અશાંતધારાના વિસ્તારને અડીને આવેલી 500 મીટરની હદમાં આવેલી મિલકતોનો અશાંત ધારા હેઠળના વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. પરિણામે આ વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતોની તબદિલી કરવાની આવે ત્યારે પરવાનગી મેળવવી પડે છે.
આ સુધારાને કારણે સબરજિસ્ટ્રારની કચેરીમાં નોંધણી માટે રજૂ કરવામાં આવતા સ્થાવર મિલકતોની માલિકીની તબદિલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આનાકાની કરવામાં આવતી હતી. તેમ જ 500 મીટરની હદ ક્યાંથી ગણવી તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પ પણ આ સ્પષ્ટતા કરી શકતા નહોતા.
પરિણમે આ અંગે નિર્ણય લઈને સંબંધિત અરજદારને સિટી સરવે કચેરીના સુપરિન્ટેન્ડન્ટ અને તાલુકા કક્ષાઓ મામલતદારો પાસેથી વેચાણ દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે આવેલી મિલકત 500 મીટરની હદમાં છે કે નહિ તેનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પશ્ચિમ અમદાવાદના સિટી ડેપ્યુટી કલેક્ટર જે.બી. દેસાઈની સહી સાથે પાંચમી જાન્યુઆરીએ આ પરિપત્ર કરવામાં આવેલો છે. જોકે આ આદેશ થયો હોવા છતાંય 500 મીટરની હદ ગણવા માટેની વ્યાખ્યા કરીને આપવામાં આવી હોવાના નિર્દેશ મળતા નથી.
બીજીતરફ ગુજરાત સરકારને આજે નવો એક નિર્ણય લઈને ખેડૂતની જમીનના શુદ્ધબુદ્ધિથી કરવામાં આવેલા વેચાણના કિસ્સામાં શરતફેરની મંજૂરીઓ ઓનલાઈન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કરી હતી. જોકે આ કિસ્સામાં પણ શુદ્ધબુદ્ધિ પૂર્વક કરેલા વેચાણની વ્યાખ્યા આપવામાં આવી નથી.
ગુજરાતમાં માં ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી દ્વારા વાંધા અરજી કરી સુધારો કરી આપવા સુપ્રિ.લે.રે.ને નિકાલ કરવાની સત્તા આપવામાં આવેલ છે.
અરજી કરવાની મુદ્દત તા.31.12.2020 પૂર્ણ થયેલ હોઇ કોવીડ?-19 મહામારીના કારણે રી-સર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય તે હેતુથી અરજદારશ્રીઓ ને રી-સરવે પ્રમોલગેશન બાદની વાંધા અરજીઓ રજુ કરવાની સમયમર્યાદાની મુદતમાં તા.31.03.2021 સુધી વધારો કરવામાં આવેલ છે.
શરતફેરની મંજૂરી ઓનલાઈન આપી દેવાશે
શુદ્ધબુદ્ધિ-પૂર્વકના વેચાણના કિસ્સામાં શરતફેરની મંજુરી પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ પગલું લઈને ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું લીધું હોવાનુું મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યુ ંહતું. તેમણે જણાવ્યું હતું કે iora.gujarat.gov.in અરજી કરીને આ પ્રમાણપત્ર મેળવી શકાશે.
ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન આપવાનો નિર્ણય
ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત ખરાઈની અરજીની પૂર્તતા કરવા માટે સાત દિવસની મહેતલ આપવામાં આવી છે. અમદાવાદની એક વ્યક્તિ સુરત જિલ્લામાં જમીનની ખરીદી કરે તો તે વ્યક્તિ અમદાવાદમાં ખરેખર ખેડૂત છે કે નહિ તેની ખરાઈ કરી આપતું પ્રમાણપત્ર આપવું ફરજિયાત કરાયેલું છે. છ જાન્યુઆરીએ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિરસ્તેદારની કક્ષાએતી અરજીનો સ્વીકાર કે અસ્વીકાર નહિ કરી શકાય.
શિરસ્તેદારને ફાળવવામાં આવેલા લૉગઈનમાં સરકારને પક્ષે અરજીનો સ્વીકાર કરવા માટેના કારણો તથા અભિપ્રાય આપવાની તથા અરજીનો અસ્વીકાર રવા માટેના કારણોસહિતના અભિપ્રાયોને પ્રાન્ત અધિકારીઓના લૉગ ઇનમાંથી મળી રહેશે. આમ શિરસ્તેદારને નિર્ણાયક ઓથોરિટીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. તેમની પાસે રજૂ થતી અરજીની પ્રાથમિક ચકાસણી કરીને અભિપ્રાય આપીને પ્રાન્ત અધિકારીનું ઓનલાઈન અનુમોદન મેળવવાની પ્રક્રિયા શિરસ્તેદાર હસ્તક જ રાખવામાં આવી છે.