Get The App

કોમન યુનિ.બિલનો વિરોધ : વડોદરાના ધારાસભ્યો અને શિક્ષણ મંત્રીને પોસ્ટ મારફતે બંગડીઓ મોકલાઈ

Updated: Sep 19th, 2023

GS TEAM


Google News
Google News
કોમન યુનિ.બિલનો વિરોધ : વડોદરાના ધારાસભ્યો અને શિક્ષણ મંત્રીને પોસ્ટ મારફતે બંગડીઓ મોકલાઈ 1 - image

વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

કોમન યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પાસ થઈ ગયા બાદ વડોદરાની આગવી ઓળખ સમી એમ.એસ.યુનિવર્સિટીની સ્વાયત્તા ખતમ થઈ ગઈ છે.

વડોદરામાં કેટલાક લોકો એવા પણ છે જેઓ બિલ પસાર થઈ ગયા બાદ પણ તેના વિરોધમાં સરકાર સામે લડત આપીને યુનિવર્સિટીને બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે. જેમાં બુસા, બુટા, સેવ એજ્યુકેશન કમિટિ, અભિવ્યકિતની આઝાદી જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.

આ બિલ વિધાનસભામાં પસાર થયુ ત્યારે વડોદરા શહેર જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો ચૂપ રહ્યા હતા અને તેમણે પોતાની માતૃસંસ્થાને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો. આ બાબતને ધ્યાનમાં રાખીને આજે વિદ્યાર્થિનીઓ દ્વારા ધારાસભ્યોને પોસ્ટ મારફતે બંગડીઓ મોકલવામાં આવી છે. સાથે સાથે તેમને એક પત્ર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ પત્રમાં જણાવાયુ  છે કે, વડોદરા શહેર જિલ્લાના ભાજપના નવ ધારાસભ્યો જો કોમન યુનવિર્સિટી બિલમાંથી એમ.એસ.યુનિવર્સિટીને બાકાત રખાવે તો ખરેખર છપ્પનની છાતી ધરાવતા હોય તેવુ કહેવાય. બાકી સરકારે તો આ યુનિવર્સિટીને ટકે શેર ભાજી અને ટકે શેર ખાજાની...જેમ અન્ય યુનિવર્સિટીઓ જેવી જ ગણી નાંખી છે. ભાજપના ધારાસભ્યોએ વડોદરાની પ્રજાના હિતમાં યુનિવર્સિટીમાં કોમન બિલ લાગુ કરવાનો વિરોધ કરવો જોઈએ.

સાથે સાથે ગુજરાતના શિક્ષણ મંત્રીને કાળી બંગડી મોકલવામાં આવી હતી અને તેમને બંગડીની સાથે પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયુ હતુ કે, એ યુ પટેલ જેવા કહેવાતા શિક્ષણવિદો ઉચ્ચ શિક્ષણની ઘોર ખોદવા માટે તમારો બલીના બકરાની જેમ ઉપયોગ કરી રહ્યા છે. વડોદરાની જનતામાં આ બિલ સામેના રોષને પારખીને હજી પણ બિલ પાછુ ખેંચી લેવા માટે સમય છે. તમને વિનંતી છે કે, વિવેકપૂર્વક બિલને પાછુ ખેંચીને યુનિવર્સિટીમાં રહેલી લોકશાહી મૂલ્યો વાળી વ્યવસ્થાને યથાવત રાખો.

Tags :