અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન, 15 મે સુધી દૂધ-દવા સિવાય તમામ દુકાનો રહેશે બંધ
અમદાવાદ, તા. 6 મે 2020, બુધવાર
અમદાવાદમાં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવતીકાલથી સાત દિવસ સુધી દુધ અને દવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.
અમદાવાદમાં કોરોના કહેરને જોતા શહેરવાસીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો ચાર્જ ડો.રાજીવ ગુપ્તાને સોંપાયો છે. જે બાદ આજે પહેલાં જ દિવસે રાજીવ ગુપ્તાએ સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં હવે આગામી સાત દિવસ સુધી તમામ હોમ ડિલિવરી સર્વિસ બંધ કરી દેવામા આવી છે. અને માત્ર દૂધ અને દવાઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે.
સુપરસ્પ્રેડર આ નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદમાં સુપરસ્પ્રેડર શાકભાજી વેચનાર અને કરિયાણા તેમજ અન્ય દુકાનોને કારણે કોરોના વાયરસના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતે 12 વાગ્યાથી નવા નિયમો અમલી બનશે. આ સાથે દવા અને દૂધની દુકાનો સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સને ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે અને જો આ નિયમનું પાલન ન થયું તો તેમનું લાયસન્સ પણ રદ્દ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
વધુ 7 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર
કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે વધુ 7 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. GCS હોસ્પિટલ (નરોડા રોડ), કોઠીયા હોસ્પિટલ (નિકોલ), શુશ્રૂષા હોસ્પિટલ (નવરંગપુરા), નારાયણી હોસ્પિટલ (રખિયાલ), પારેખ હોસ્પિટલ (શ્યામલ ચાર રસ્તા), બોડીલાઈન હોસ્પિટલ (પાલડી), જીવરાજ મહેતા હોસ્પિટલ (વાસણા)ને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદમાં હાઈપાવર બેઠક, ડેપ્યુટી કમિશ્નરો મૂંગા રહેતાં રાજીવ ગુપ્તા વિફર્યા
મનપા કમિશનર વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટીન થયા બાદ તેમના સ્થાને મુકેશ કુમારને મનપા કમિશનરનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આજે અમદાવાદ મનપાની મહત્વની બેઠક મળી. બેઠકમાં મોટાભાગના ડેપ્યુટી કમિશનરો મૌન રહેતા રાજીવ ગુપ્તા વિફર્યા હતા. ડેપ્યુટી કમિશનરો કોરોનાની માહિતી અને કામગીરી બાબતે મૌન રહેતા રાજીવ ગુપ્તા તેમના પર વરસ્યા હતા. આ બેઠકમાં મનપાના નવા ઈન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર, હેલ્થ અધિકારી તેમજ રાજીવ ગુપ્તા હાજર રહ્યા હતા. બેઠકમાં કોરોનાના વધી રહેલા કેસ, કોટ વિસ્તાર, વૃદ્ધ અને કોરોનાને અટકાવવા માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. સાત ઝોનના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સુપરસ્પ્રેડર અને વૃદ્ધો અંગે રણનીતિ બનાવવામાં આવી છે. અને હોટસ્પોટ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવશે.
શહેર પેરામિલેટ્રીના હવાલે સોંપાયું
અમદાવાદમાં કોઈ રીતે કોરોના કાબુમાં આવતો નથી. હોટસ્પોટ વિસ્તારો અને નવા નવા એરિયાઓ રેડઝોનમાં જવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ચેઈન તોડવા માટે લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવા માટે શહેર પેરામિલેટ્રીના હવાલે સોંપાઈ ગયુ છે. અમદાવાદના કન્ટેન્ટમેન્ટ એરિયામાં વધુ સઘન સુરક્ષા ગોઠવવા માટે નવેસરથી આખરી ઓપ અપાઈ ગયો છે. અમદાવાદમાં વધતા જતા કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓની નિયુક્તિ કરીને તેમને મહત્વની કામગીરી સોંપી છે. ત્યારે અમદાવાદના મેયર બીજલ બહેને પણ અમદાવાદના નાગરિકોને આગામી દશ દિવસ અતિ અગત્યના હોય સાવધ રહેવા ચેતવ્યા છે.
અમદાવાદને બચાવવાની કામગીરીમાં જોડાઈ જાઓ
મેયર બીજલ બહેને ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને પણ વિનંતી કરી છે કે અમદાવાદને બચાવવાની કામગીરીમાં જોડાઈ જાઓ. કોર્પોરેશનના કામકાજમાં તમામ લોકો સાથ સહકાર આપવા પણ જણાવ્યું છે. અમદાવાદમાં છેલ્લા દસેક દિવસથી દિવસેને દિવસે સ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે. કોરોનાના કેસ વધવા સાથે મોતનો આંક પણ ઊંચો જઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં 1,500થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 8 દિવસમાં 2046 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ગઈ કાલે 349થી વધુ કેસ નોંધાયા છે. જે અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.