Get The App

વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા માત્ર 41.41 ટકા ઉમેદવારોએ જ આપી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા માત્ર 41.41 ટકા ઉમેદવારોએ જ આપી 1 - image


- 1.09 લાખ ઉમેદવારોમાંથી 64038 ગેરહાજર

- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓએમઆર શીટની સ્કેન ઈમેજ લિંક પર મૂકવામાં આવી 

વડોદરા,તા.10 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની ૫૫૨ જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રવિવાર તા.8 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 109307 ઉમેદવારો આપવાના હતા, પરંતુ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી. આ પરીક્ષા માટે 365 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા અને તેના 3,644 બ્લોક રાખવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64038 ગેરહાજર હતા. આનો અર્થ એ થયો કે કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારોએ જોઈએ તેઓ રસ બતાવ્યો નથી. વડોદરા કોર્પોરેશનમાં આ ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરી 2022 માં શરૂ કરવામાં આવી હતી અને 20 મહિના બાદ પરીક્ષા લેવાઈ છે. પરીક્ષા માટે આટલો બધો લાંબો સમય રાહ જોવા માટે ઉમેદવારોએ કદાચ ટાળ્યું હોઈ શકે. પરીક્ષા 200 માર્કસની ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવી હતી અને તેનો સમય બે કલાક રાખવામાં આવ્યો હતો.

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયું છે કે તા. 8 ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી  લેવાઈ હતી. જેનો જાહેરાત ક્રમ 996/202122 હતો. જેમાં ઉપસ્થિત રહેલ  ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેન ઇમેજ લિંક https://www.gsssb.co.in/viewomr/ પર મુકવામાં આવેલ છે. જે તા.8 થી તા.23 દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે. આ અંગે સંબંધિત ઉમેદવારે જે તે જાહેરાત નંબર સિલેકટ કરીને પરીક્ષા કેન્દ્રનો જીલ્લો સિલેકટ કરી પોતાનો રોલ નંબર, જન્મતારીખ ( દિવસ -મહિનો - વર્ષ મુજબ સિલેકટ કરવું) અને ટેક્ષ્ટ ઇમેજ ટાઇપ કરી લોગ ઇન કરવા કહ્યું છે. હવે પસંદગી મંડળ જ્યારે આન્સરશીટ મૂકશે ત્યારે જે તે ઉમેદવારો પોતાનું ઓએમઆર શીટની સ્કેન કરેલ ઈમેજ સાથે સરખાવી તેના આધારે પોતાનું પરિણામ નક્કી કરી શકશે.



Google NewsGoogle News