ઓમિક્રોન ઇફેક્ટ : આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતમાં માત્ર 10 ટકા રજિસ્ટ્રેશન
રાજકીય ભપકો કરવાની નવી સરકારની ગણતરી ખોટી પડી
ગત વખતે 1.05 લાખ રજિસ્ટ્રેશન,42 હજાર ડેલિગેટે ભાગ લીધો હતો, આ વખતે માત્ર 9563નું અને 5889 કંપનીઓનું રજિસ્ટ્રેશન
અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોને પગલે વિશ્વ આખુય ચિંતાતુર બન્યુ છે. ગુજરાતમાં એમિક્રોનના કેસ વધી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં આયોજીત ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2022 પર એમિક્રોન અવરોધરૂપ બની રહ્યુ છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે .
ગત વખત ની સરખામણીમાં આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં માત્ર 10 ટકા જ રજીસ્ટ્રેશન થયુ છે. આ એજ દર્શાવે છેકે, એમિક્રોનના વધતા જતાં ખતરાને પગલે વિદેશી ડેલિગેટો ગુજરાત આવવાનુ ટાળી રહ્યા છે. એટલું જ નહીં, વાઇબ્રન્ટ ગુજરાત યોજી રાજકીય ભપકો કરવાની નવી સરકારની ગણતરી લગભગ ખોટી પડી છે.
વર્ષ 2019માં મહાત્મા મંદિરમાં યોજાયેલાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. સાથે સાથે 3040 ઇન્ટરનેશનલ ડેલિગેટોએ હિસ્સો લીધો હતો. 1,05,000નુ રજીસ્ટ્રેશન નોંધાયુ હતું. 7 દેશોના વડાપ્રધાન અને 30 દેશોના એમ્બેસેડર પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. 15 દેશો કન્ટ્રી પાર્ટનર રહ્યા હતાં. જોકે, આ વખતે એમિક્રોન વેરિએન્ટને લીધે વાઇબ્રન્ટ ગુજરાતને ગ્રહણ લાગી શકે છે.
હાલ તો મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઇ છે. રાજ્ય સરકારે આખાય ઇવેન્ટ માટે જુદી જુદી કમિટી નીમી આઇએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. હવે જયારે નવા વેરિયન્ટને પગલે દેશદુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા ઉભી થઇ છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર પણ લટકતી તલવાર જેવો ઘાટ સર્જાયો છે.
વાઇબ્રન્ટ ગુજરાતને આડે હવે માંડ પંદરેક દિવસ બાકી રહ્યા છે ત્યારે 9563 લોકોનું જ રજીસ્ટ્રેશન થયુ છે તેમા માડ 250 જણાં વિદેશના હશે. ગુજરાત સરકારે દુબઇ સહિત અન્ય દેશોમાં રોડ શો આયોજીત કર્યા હતાં. એટલું જ નહીં, 28થી વધુ દેશોને આમંત્રણ મોકલાયુ છે તેમ છતાંય એમિક્રોનના ડરથી મોટા ભાગના દેશોએ કર્ન્ફમેશન મોકલ્યુ નથી.
વિદેશી ડેલિગેટોએ ગુજરાત આવવાનુ જ માંડી વાળ્યુ છે. આ પરિસ્થિતીને જોતાં સરકારે વર્ચ્યુઅલી વાઇબ્રન્ટ ગુજરાત યોજવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ગત વખતે દેશ વિદેશની 20 હજારથી વધુ કંપનીઓના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતાં પણ આ વખતો તો અત્યાર સુધી માત્ર 5889 કંપનીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
જાણવા મળ્યુ છેકે, મોટા ભાગની કંપનીઓ ગુજરાતની જ છે. વાઇબ્રન્ટસ ગુજરાતમાં વધુ કંપનીઓ આવે તે માટે ઉદ્યોગ ભવનને કામે લગાડાયુ છે.આ ઉપરાંત ચેમ્બર્સ ઓફ કોમર્સને પણ જવાબદારી સોંપાઇ છે. આમ, વાઇબ્રન્ટ ગુજરાત યોજી રાજકીય ભપકો દેખાડવાની નવી સરકારની ઇચ્છા મનની મનમાં જ રહી જશે તેવુ અત્યારે લાગી રહ્યુ છે.